હરદ્વાર ગોસ્વામી ~ ફૂલ સાથે

ફૂલ સાથે ડાળ આખી આ ખરી,
પાનખરની છે પરીક્ષા આખરી.

મીણ જેવી એ હતી ને ઓગળી,
સૂર્ય સામે આંગળી ક્ષણભર ધરી.

હું સતત ખેંચાઉં છું, ખેંચાઉં છું,
આ સ્મરણના ચુમ્બકે ભારે કરી.

હું ગગન જેવો જ પ્હોળો થઇ ગયો,
જ્યાં હવા અસ્તિત્વના ફૂગ્ગે ભરી.

મન હશે દરજી મને ન્હોતી ખબર,
ઝંખના હર એક કાયમ વેતરી.

એક અણમાનીતી રાણી શી પીડા,
હર જનમ ‘હરદ્વાર’ સાથે અવતરી.

હરદ્વાર ગોસ્વામી

ફૂલો રોજ ખરે અને પાંદડાઓ પાનખર આવતાં ખરે પણ ડાળ તો કવિની કલ્પના જ ખેરવે. દરજી જેવું મન સતત ઝંખનાઓ વેતર્યા કરે અને એ જ મન અસ્તિત્વમાં હવા ભરી દેવા માટે પણ એટલું જ કારણભૂત ! અને આ હવાનો  ફૂગ્ગો માણસને કેટલો ‘મોટો’ (?) બનાવી દે છે એ વાસ્તવિકતા જિંદગીમાં ડગલે ને પગલે અનુભવાતી હોવા છતાં અહીં શેરમાં એ કેટલું સૌંદર્ય ભરી દે છે. એટલે જ એ મનને સ્પર્શે છે. ઓછા શબ્દોમાં મોટી વાત કાવ્યાત્મક રીતે કહી દેવાની કમાલ આ કવિ પાસે છે. ઊંડાણ છતાં સરળતા અને સહજતા એમના કાવ્યોનું મોટું જમાપાસું.

કવિસમ્મેલનોમાં કવિ તરીકે કે સંચાલક તરીકે છવાઈ જતા આ કવિ શબ્દશ્રી’ સંસ્થાના સ્થાપક છે અને ‘હવાને કિનારે’ એમનો ગઝલ સંગ્રહ છે. કવિ હરદ્વાર ગોસ્વામી કવિ, સંચાલક, નાટયકાર તરીકે વિખ્યાત છે. ગુજરાત સરકાર તરફથી અપાતો યુવા ગૌરવ પુરસ્કાર (2009ના વર્ષ માટે) તેમને પ્રાપ્ત થયેલ છે.

6.1.21

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top