હરીન્દ્ર દવે ~ મને ખ્યાલ પણ નથી * Harindra Dave

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી

એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ

તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

મારું સ્વમાન રક્ષવા જાતાં કદી કદી

હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

કંટકની માવજતમાં અચાનક ઘણી વખત

ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

વાતાવરણમાં ભાર છે મિત્રોનાં મૌનનો

હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

~  હરીન્દ્ર દવે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top