હરીશ ધોબી ~ નડ્યાં’તા કંટકો

નડ્યાં’તા કંટકો જ્યાં : હરીશ ધોબી

નડ્યાં’તા કંટકો જ્યાં ખૂબ એડીને
ફરી પાછી મેં પકડી એ જ કેડીને

બધીયે શાંત ઇચ્છા કરી દીધી. 
સદા માટે મેં પાણી ઠંડુ રેડીને

નથી સંભાવના વરસાદની કોઈ
અને ખેતર મેં મૂકી દીધું ખેડીને

મથે છે કોણ જાણે સિદ્ધ શું કરવા
સતત એ રાગ એનો એ જ છેડીને

અચાનક આમ એ પ્હોંચી ગયા આગળ
મને આખ્ખોય બાજુ પર ખસેડીને – હરીશ ધોબી

કંટકો વાગ્યા હતા એ જ કેડી પર ફરી પગલાં માંડ્યા !’ આવું કવિ જ કહી શકે અને કરી શકે ! ‘ઠંડુ પાણી રેડી દેવું’ એ મુહાવરો તો હજાર વાર સાંભળ્યો હોય પણ અહીં બીજા શેરમાં વાંચતાં જાણે હૈયું બેસી જાય ! પોતાની લીટી મોટી કરીને નહીં પણ બીજાની લીટી નાની કરી આગળ આવવાનો આ સમય કવિએ છેલ્લા શેરમાં કેવો આબાદ ચીતર્યો છે ! વાહ કવિ !

9.12.21

***

સુરેશ ‘ચંદ્ર’ ચંદ્ર રાવલ

13-12-2021

હરીશભાઈની ગઝલ જાણે આખી ડાઉન ટુ અર્થ….ખૂબ ઉમદા કવિ અને ઉમદા તેમની કલમ…એક એક શેર જોરદાર….હદયને સ્પર્શી ને જાણે જતી રહી …..
જીવનની સફરમાં દુઃખ તો આવે પાછી તે જ કેડી પકડવી ખૂબ ગમ્યું…

સુરેશ જાની

11-12-2021

આ જ રદ્દિક અને કાફિયા પર –

દુ:ખમાં જીવનની લા’ણ હતી, કોણ માનશે?
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે?

શૈયા મળે છે શૂલની ફૂલોના પ્યારમાં!
ભોળા હ્રદયને જાણ હતી, કોણ માનશે?

લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ મનશે?

ઉપચારકો ગયા અને આરામ થઈ ગયો!
પીડા જ રામબાણ હતી, કોણ માનશે?

આપી ગઈ જે ધાર જમાનાની જીભને,
નિજ કર્મની સરાણ હતી, કોણ માનશે?

જ્યાં જ્યાં ફરુકતી હતી સૌન્દર્યની ધજા,
ત્યાં ત્યાં પ્રણયની આણ હતી, કોણ માનશે?

પાગલના મૌનથી જે કયામત ખડી થઈ,
ડાહ્યાની બુમરાણ હતી, કોણ માનશે?

– ‘શૂન્ય’ પાલનપુરી

છબીલભાઈ ત્રિવેદી

10-12-2021

કવિ શ્રી હરીશ ધોબી ની રચના ખુબ સરસ બધા શેર મા ખુબજ મજા આવી આવા જુદા જુદા કાવ્યો ની મજા કંઈક અલગ હોય છે ખુબ ખુબ અભિનંદન

સાજ મેવાડા

09-12-2021

સરસ ગઝલ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top