આછો રે અંધાર
આછો આછો રે અંધાર
ખોલે બંધ રહેલા દ્વાર
ઝણ ઝણ ઝણ ઝણ
એકધારો ઝીણો વાગે છે એકધારો
ઝીણો વાગે છે એક તારો
તાણી તંગ કરીને તારો
અંધારાનો આ પિંજારો
પિંજે જીવને તારેતાર..
આછું આછું રે અજવાળું
થોડું ગોરું ઝાઝું કાળુ
કાબર ચિતરુ અને ભરમાળું
ગૂંથે ઝળઝળીયાં નું જાળું
પકડે પુરવ જનમની પાળ..
~ હર્ષદ ચંદારાણા 26.1.1947 – 16.6.2024
16 જૂને કવિ આછા આછા અંધકારમાં પ્રવેશી ગયા. ત્યાં પણ એમની કવિતા અજવાળાં પાથરતી હશે.
કવિની શબ્દચેતનાને વંદન.
ધ્રુવગીતના સૌજન્યથી એમનું આ ગીત સાંભળો. (નીચે)
ચ્હેરો
કોઈ ચ્હેરો સાવ ઢીલો, કોઈ તોરીલો હતો
ભીંત જેવો એક તો બીજો વળી ખીલો હતો
એટલે ચૂંટ્યો હતો, ખોસ્યો હતો મારે ખમીસ
પુષ્પ ઉર્ફે વિશ્વનો ચહેરો જ ગમતીલો હતો
ખૂબ વરસેલો હતો વરસાદ ચુંબનનો અહીં
તો લચ્યા ખેતર સમો ચ્હેરો પછી લીલો હતો
દાઝવાના ડરથી એને ના કદી સ્પર્શી શક્યો
એક ચ્હેરો જે હિમાલય જેમ બર્ફીલો હતો
ઊંડી રેખા રહી કપાળે એક, બીજું કૈં નથી
ઉમ્ર નામે કાફલો ત્યાંથી ગયો, ચીલો હતો
~ હર્ષદ ચંદારાણા
ચહેરાને અનુલક્ષીને કેટલા સુંદર કલ્પનો ! વાહ કવિ
કવિ હર્ષદ ચંદારાણા * સ્વર : દેવર્ષિ સોનેજી
સૌજન્ય : નીલા ફિલ્મ્સ ~ ધ્રુવ ગીત

મિત્ર કવિ એક દિલાવર કાયમ તેમના નિવાસસ્થાને મહેમાનો નો મેળો હોય દેશી ભાષા મા રોટલે મોટો માણસ એક સહૃદયી કવિ ની ચેતના ને કાવ્યાંજલી પ્રણામ હર્ષદભાઈ આપ સદા હૃદયસ્થ રહેશો
અમારા અમરેલીના દિવંગત કવિ હર્ષદભાઈ ચંદારાણાની દિવ્ય ચેતનાને વંદના.
હર્ષદભાઈ આ અને આવી અનેક રચનાઓને કારણે અમર રહેશે.
બંને રચનાઓ ખૂબ સરસ. હર્ષદભાઈ ચંદારાણા અમરેલીના સાહિત્યિક વાતાવરણના પણ પોષક અને સંમાર્જિત કરનાર સર્જક. આદરપૂર્વક શ્રદ્ધાંજલિ.
ૐ શાંતિ, પ્રભુ એમના પવિત્ર આત્મા ને શાંતિ બક્ષે. વંદન.