હર્ષદ ત્રિવેદી ~ કાવ્યો * Harshad Trivedi

1

*ભૂલી ગયો છું!*

ગઈ કાલે સવારે
ટપોટપ ખર્યાં બે-ચાર જાંબુ
પાણી આવી ગયું મોંમાં
તો ય તને ખબર ન કરી!

ડાળ ઉપર
બુલબુલ એકશ્વાસે
પોકારતું રહ્યું તારું નામ
મેં આંખ આડા કાન કર્યા
ને એ ઊડી ગયું!

પરબમાં પાણી રેડતાં
રોજ કોઈ પૂછે છે
ઠીબ સાફ કરી?
ને હું જામી ગયેલી લીલનાં
ઘસી કાઢું છું એક પછી એક પડળ!

ઘરમાં આવીને દીવાલ પરની
તસવીર ઉતારીને
ઊંધી વાળી દઉં છું
ને મને કહું છું
હું તને ભૂલી ગયો છું!

~ હર્ષદ ત્રિવેદી (તારો અવાજ)

જે રોમેરોમમાં જીવે છે… એને ‘ભૂલવું’ એ એક ડીક્ષનરીનો શબ્દ જ રહે ને !

2.

*તમે ખરા સેવકજી!*

તમે ખરા સેવકજી!
બધે તમારી ચલે ભલામણ, કોઈ કરે ના શકજી!
તમે ખરા સેવકજી!

ત્રિવિધ પ્રકારે શબ્દ પ્રવર્તે, એકે નહીં ગરથમાં,
માન મૂકીને મૂર્ધન્યો પણ, આવી બેસે રથમાં;
તેલ બળે, પણ તાપ વધે; આ દુનિયા થાતી છકજી!
તમે ખરા સેવકજી!

જેને જયાં જાવું હો ત્યાં લગ પાર તમે પહોંચાડો,
ઘર-મંદિર કે દુકાન-મંડી, વાડ વગરનો વાડો;
નડે ન તમને ટ્રાફિકસિગ્નલ, નડે નહીં ફાટકજી!
તમે ખરા સેવકજી!

~ હર્ષદ ત્રિવેદી (તમે ખરા !)

હાસ્ય-કટાક્ષ કાવ્યોની સરસ શ્રેણી આપી છે કવિએ.

3

*અવકાશની ઝાંખી*

ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી,
પલકવારમાં અતલ અને અવકાશની થૈ ગૈ ઝાંખી.

ઘેન ગુલાબી અંધારું ને સહજ મદિલી ગંધ,
રોમ રોમ લગ પ્હોંચ્યા કંપન સરી પડ્યા સૌ બંધ;
જાત રહી ઓગળતી એણે મણા કશી ના રાખી,
ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી!

ક્યાંક ઊતરતું ધુમ્મસ ચડતું ક્યાંક અમસ્થું વાદળ,
સરી રહ્યું છે પર્ણ ઉપરથી બુંદ બુંદમાં ઝાકળ;
અઢળક મોતી ઢળ્યાં જણાતી ધરા ય ઝાંખીપાંખી!
પલકવારમાં અતલ અને અવકાશની થૈ ગૈ ઝાંખી!

~ હર્ષદ ત્રિવેદી (રહી છે વાત અધૂરી)

એક સરસ પ્રકૃતિકાવ્ય

4  

*નહીં આવે પાર*

નહીં આવે પાર ચૂપ રહેવાથી!
આવશે તો આવશે અંદરનું બ્હાર સખી
કોઈપણ રીતે હૈં કહેવાથી!
નહીં આવે પાર ચૂપ રહેવાથી!

એમ તો છે દરિયો ને દરિયાનાં અઢળક છે
ફિણ ફિણ ફેંકાતાં પાણી,
ફૂટે કદાચ તને સહરાના વીરડા શી
ચોખ્ખીચટ્ટ તગતગતી વાણી;
ભરનારો ભરશે તો ચાંગળુંક ભરશે
ને બાકીનું સમજાશે વહેવાથી!
નહીં આવે પાર ચૂપ રહેવાથી!

વ્હેવામાં ભીતિ છે હાર્યાની ઝાઝી
ને જીતવાનું નામ સાવ ભીંત,
ભીંતે આળેખ્યાં એ પંખીઓ ગાવાનાં
તારાં ખોવાયાં જે ગીત;
ટહુકારે ટહુકારે ભૂલવાનું ભાન પછી
સાન સમું આવે છે સહેવાથી!
નહીં આવે પાર ચૂપ રહેવાથી!

~ હર્ષદ ત્રિવેદી (રહી છે વાત અધૂરી)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “હર્ષદ ત્રિવેદી ~ કાવ્યો * Harshad Trivedi”

  1. હ.ત્રિ. ની રચનાઓમાં વિષય વૈવિધ્ય ની સાથે સાથે અભિવ્યક્તિની વિવિધતા જોવા મળે છે. અભિનંદન.

  2. અવકાશની ઝાંખી

    “ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી,
    પલકવારમાં અતલ અને અવકાશની થૈ ગૈ ઝાંખી.” very nice poems.

Scroll to Top