હર્ષદ ત્રિવેદી ~ કાવ્યો * Harshad Trivedi

1

*નથી આવવાનો*

નથી આવવાનો સમય કોઈ સરખો,
ફરે છે યુગોથી હતો એ જ ચરખો!

તારું કે મારું નથી કોઈનું કંઈ,
છતાં જાવ, લઈ જાવ ને રોજ હરખો!

અમે મૂળમાંથી મહોબતના માણસ,
બધું એક બાજુ મૂકીને જો પરખો!

જે માથે પડે એને વેઠી જ લઈએ,
અહીં ક્યાં હતો કોઈ કાયમ અભરખો!

ભલે હાથ બદલાય પણ તાર ઝીણો,
હશે એ જ પૂણી હશે એ જ ચરખો!

(તરવેણી)

2

*આવે છે!*

કે અંતરમાં જ્યારે ઉમળકો આવે છે,
બહુ ઊંડેથી દોસ્ત, સણકો આવે છે!

કથા માળા કે જિંદગીની છે સરખી,
કે એમાં મેર પછી ય મણકો આવે છે!

હજી વેઠું છું ત્રાસ અંધારાનો, પણ
ઇલાજમાં એના રોજ ભડકો આવે છે!

પ્રથમ તપવાનું, તરસવાનું, ગાવાનું,
બહુ મુશ્કેલી બાદ રણકો આવે છે!

ગયાં’તાં પાછાં ત્યાં જ આવીને ઊભાં,
જવું ક્યાં? ચારેકોર તડકો આવે છે!

ઘણા વખતે આ ઠાઠ, રોનક ને રુઆબી,
લખાવી તારે નામ ભભકો આવે છે!

(રહી છે વાત અધૂરી)

3

*નાજુક રમત*

સોગઠી મારી અને તારી, નિકટ આવી હશે,
એ ક્ષણે નાજુક રમતને મેં તો ગુમાવી હશે.

ના ઉઘાડેછોગ નહીંતર આમ અજવાળું ફરે,
કોઈએ ક્યારેક છાની જ્યોત પ્રગટાવી હશે.

હાથમાંથી તીર તો છૂટી ગયું છે ક્યારનું,
શું થશે? જો આ પ્રતીક્ષા—મૃગ માયાવી હશે!

આપણે હંમેશ કાગળનાં ફૂલો જેવાં રહ્યાં,
તો પછી કોણે સુગંધી જાળ ફેલાવી હશે?

હું સળગતો સૂર્ય લઈને જાઉં છું મળવા અને,
શક્ય છે કે એણે ઘરમાં સાંજ ચિતરાવી હશે!

છેવટે વહેલી સવારે વૃક્ષ આ ઊડી શક્યું,
પંખીઓએ પાંખ આખી રાત ફફડાવી હશે!

(એક ખાલી નાવ)

4  

*માળો*

જો એકાદ ટહુકો કર્યો હોત જાતાં,
તો કલરવ થકી હું ભરી દેત માળો.

ગયું વૃક્ષ પરથી નથી પાછું આવ્યું,
શું પંખી હવામાં ય બાંધે છે માળો?

ન રાખી શક્યો એક નાનુંયે પીછું,
ગગનને સમાવીને બેઠો જે માળો.

છે અકબંધ ડાળી બધી એ જ રીતે,
ન જાણે ભર્યોભાદર્યો હોય માળો.

હજી પણ છે સંભવ કદી પાંખ ફૂટે,
ને ફફડાટ સાથે ઊડી જાય માળો!

(એક ખાલી નાવ)

5.

*રમણીય ખાંચા*

હવે ન વધારો લબાચા,
અહીં બધાં કોટડાં સાવ કાચાં.

અમારું છે કેવું સહુને ખબર છે,
નથી તમારા ય મજબૂત ઢાંચા!

બડી હસ્તીઓને ક્યાં કૈં પડી છે?
નડે બધે રોજ ટૂંકાં ને ટાંચાં!

બધું જ સાચું કે ભટકયા ઘણું, પણ
ઘણા મળ્યા છે રમણીય ખાંચા!

મળે ન ઊંજણ ન કોઈ મરામત,
હવે સમયના ભરોસે જ સાંચા!

(રહી છે વાત અધૂરી)

6

*મારું વચન*

મેં સતત
અજવાસની તમન્ના કરી
એ મારી ભૂલ હતી.

હું સતત
અજવાસની તમન્ના કરું છું
એ મારી ભૂલ છે.

હું સતત
અજવાસની તમન્ના કરતો રહીશ
એ મારું વચન છે!

(રહી છે વાત અધૂરી)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

10 thoughts on “હર્ષદ ત્રિવેદી ~ કાવ્યો * Harshad Trivedi”

  1. ઉમેશ જોષી

    કવિને જન્મ દિવસની સુકામનાઓ પાઠવું છું.

  2. પ્રિય પ્રિય હર્ષદભાઈને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન ! કવિશ્રીની પ્રસ્તુત તમામ રચનાઓ ખૂબ જ સરસ અને હ્રદયસ્પર્શી છે.કવિની હથોટી અને જીવન ચિંતન અદભૂત રીતે અહીં અભિવ્યક્તિ પામે છે.” કાવ્ય વિશ્વ”એ હર્ષદભાઈનો જન્મોત્સવ સ-રસ કૃતિલક્ષી પ્રસ્તુતિ સાથે ઉજવ્યો તેનો પણ ખૂબ ખૂબ આનંદ !
    પ્રફુલ્લ પંડ્યા

  3. “જો એકાદ ટહુકો કર્યો હોત જાતાં,
    તો કલરવ થકી હું ભરી દેત માળો.” સરસ રચનાઓ. મીઠાં સંબંધો માટે એક ટહૂકો…આનંદ કલરવ ભરી દે છે.
    સરયૂ પરીખ.

  4. હરીશ દાસાણી.મુંબઈ

    હર્ષદભાઈને જન્મદિવસ પર તથા કાવ્યવિશ્વને સુંદર રચનાઓ પ્રસ્તુત કરવા પર અભિનંદન.

  5. Harshad Trivedi

    પ્રિય લતાબહેન, આપે મારા જન્મદિવસ નિમિત્તે મારી ગઝલો અને અછાંદસ રચનાઓ મૂકીને ઉત્સવ કર્યો એનો આનંદ છે. કોઈ સર્જકને યાદ કરવા, કરવાની આ પણ એક સારી રીત છે. આપનો ખૂબ આભારી છું.

Scroll to Top