હર્ષદ ત્રિવેદી ~ તકલીફ લાગે છે

ફરી મલકાવતાં આંગણ ઘણી તકલીફ લાગે છે
ફરીને બાંધતા તોરણ ઘણી તકલીફ લાગે છે.

પ્રથમ દરિયાને પણ હૈયામહીં ધરબીને રાખ્યો’તો
હવે નાનું ઝરણ છે પણ ઘણી તકલીફ લાગે છે.

સદા કરતા હતા જે મોરલા ગ્હેકાટ વણથંભ્યા
હવે બોલી શકે છે પણ ઘણી તકલીફ લાગે છે.

નથી ઉલ્લાસ આંખોનો નથી આધાર હૈયાનો
હવે કરતાં નવું કામણ ઘણી તકલીફ લાગે છે.

હજુ ખનખન અવાજો ઓરડે પોઢ્યા નથી ત્યાં તો –
ફરીથી પ્હેરતાં કંકણ ઘણી તકલીફ લાગે છે.

સ્મરણનાં મ્હેલના જલતા બધા દીપક બુઝાવીને
શરમથી ઢાળતાં પાંપણ ઘણી તકલીફ લાગે છે.

~ હર્ષદ ત્રિવેદી

પૂરી સામાજિક નિસબત સાથેનો આ વિષય છે એક યુવાન વિધવાના વિવાહનો. અલબત્ત માધ્યમ કવિતાનું છે, સંવેદનાનું છે એટલે અહીં વિધવા સ્ત્રીની સંવેદના સચોટ રીતે રજૂ થઈ છે.

એક યુવાન સ્ત્રી જેનાં હૈયામાં હોંશના તોરણ એકવાર ઝૂલી ચૂક્યાં છે.અને અફસોસ, હવે એ સઘળું આથમી ગયું છે, છતાંય જીવન અટકતું નથી.. એ નિર્લેપ અને નિર્મમ બની નિરંતર વહ્યે જાય છે. આ જીવનનો ફરી સ્વીકાર કરવાનો છે. એ તૂટેલી ઇમારતને ફરી વસાવવાની છે, એમાંથી જીવવાની આશા શોધી કાઢવાની છે. કેટલું અઘરું કામ છે આ ? કેમ કે અઢળક ઉમળકાથી વસાવેલા સંસારની યાદો હજી તાજી જ છે !! ગઝલનો રદીફ ‘ઘણી તકલીફ લાગે છે’ ખૂબ સુચક છે. પહેલીવાર જે થયું એ આપોઆપ અને ઉમંગથી થયું છે. હવે બીજીવાર એ જ સ્થિતિમાંથી પસાર થવું કેટલું અઘરું છે !!

આખીયે ગઝલમાં જે ભાવ પરોવાયેલો છે એ સ્વયંસ્પષ્ટ છે, દીવા જેવી ચોખ્ખી છે પણ આ સ્થિતિની કલ્પના ભાવજગતને ખળભળાવી દે છે. તકલીફ શબ્દ ઝાંખો પડે એટલી અઘરી પરિસ્થિતિ અને એની તાવી દેનારી મથામણ અહીં કવિએ શબ્દોમાં આબાદ રીતે કંડારી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “હર્ષદ ત્રિવેદી ~ તકલીફ લાગે છે”

  1. એકાંતને ઓરડે ઝૂરતી વિધવાનું ભાવચિત્ર બખૂબી ગઝલમાં ઝીલાયું છે ‌. અભિનંદન.

  2. હર્ષદ ત્રિવેદી

    આભારી છું. સરસ વિશ્લેષણ કર્યું.

Scroll to Top