
🥀🥀
*ઓળખ*
આંખોને પણ ફાવી ગયા છે વર્ષોથી
મારી ઓળખ બની ગયા છે ચશ્માં
ઝીણા અક્ષરો વાંચી શકું
ઝીણી જીવાતો ઓળખી શકાય
કાગળની કોતરણી કરવાનું ફાવે
જરૂરી કાગળ રાખી બાકીના ભાગને ફેંકી દઉં.
ખોતરી શકું આખે આખા માણસને
લક્કડખોદની જેમ નિરાંતે.
આંખ પર ચશ્માં ચઢાવવાથી
માત્ર સ્પષ્ટ દેખાય એવું નથી
લોકો ચાહે એવું જે વિશ્વ દેખાય
મને પણ આબેહૂબ એવું જ અનુભવાય
એટલે ચશ્માં આંખવગા રાખું
કાનવગા પણ રાખું
દૃશ્ય સાથે શ્રાવ્યનો સુમેળ
સારી રીતે સાધી શકે ચશ્માં
આ બધું કરવા
સંવેદનોને કાચ જેવું જાડું-લીસું પારદર્શક આવરણ ચઢાવવું પડે.
થાકેલી આંખોનો દૃષ્ટિભેદ નિવારવા
અનેક ઈલાજ કરવા પડે એ કર્યાં
અને ખૂલી ગયા આંખ આડેથી પરદા
નંબર ઓગળી ગયા આંખમાં
ક્લિયર થયું વિઝન.
હવે હું આરપાર વાંચી શકું છું લોકોને
કોતરકામ અને ખોતરકામ બંધ કર્યું છે
છતાં લોકોને મળું છું
આંખ પર સાદા કાચના ચશ્મા ચઢાવીને
મારી ઓળખ જાળવી રાખવા.
~ હર્ષદ દવે
કવિતા માટે ભલે સાવ ઓડ લાગે પણ એક વિષય પકડી કવિ એમાં તરવાનું શરૂ કરે છે, પોતે ડૂબે છે અને સુજ્ઞ ભાવકને પણ ડૂબાડે છે.

વાહ ચશ્મા… અછાંદસ.. ખૂબ સરસ..
સરસ.
લતાબેન, આભાર.
કવિનો શબ્દ અને વિષયનું કંઈ કહેવાય નહીં. મજા પડી.
કવિએ ચશ્મા જેવી વસ્તુને વિષય બનાવીને સરસ રચના કરી છે.