અઠંગ આંખ હોય ~ હર્ષવી પટેલ
અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં,
મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં.
શરત ગણો તો છે શરત, મમત કહો તો હા, મમત!
તમે તમે ન હોવ તો મને મળી શકો નહીં.
પ્રવેશબાધ કે નિયમ કશું નથી અહીં છતાં
કહું હું ત્યાં લગી તમે પરત ફરી શકો નહીં.
જો થઈ જશે લગાવ તો સ્વભાવ થઈ જઈશ હું,
મથો છતાંય એ પછી મને તજી શકો નહીં.
તરણકળા પ્રવીણ હો, તરી શકો સમંદરો,
ડૂબી ગયા જો આંખમાં, તમે બચી શકો નહીં.
પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી,
સતત મરી શકો ખરા, સતત જીવી શકો નહીં.
~ હર્ષવી પટેલ
સ્ત્રીનો અહીં એક જુદો જ મિજાજ જોવા મળે છે. કોઈ તકરાર, ફરિયાદ કે નારીવાદનો ઝંડો નથી. સ્ત્રી-પુરુષની સમાનતાનો અહીં મુદ્દો નથી. વાત પ્રેમની છે, સ્ત્રી તરફથી છે પણ પૂરી ખુમારી અને જોશ સાથે છે, જાણે એ ચેલેન્જ આપતી હોય ! પણ આ ચેલેન્જ બહુ મીઠી છે. બસ નાયિકાને દંભ પસંદ નથી. જે અંદર છે એ જ બહાર જોઈએ. પોતાના પ્રેમની શક્તિ પર ગર્વથી ગૌરવ સુધી લઈ જતા વિશ્વાસ માટે શું કહેવું ? ગર્વ થોડી કાળી છાંય ધરાવતો શબ્દ હોવા છતાં અહીં એ વર્તાતું નથી. જેને પોતાના રોમેરોમ પર નાઝ છે, હૈયાની પ્રત્યેક હલચલ પર વિશ્વાસ છે, એવી આ નાયિકા છે. પોતાના શબ્દમાં, પોતાના ઇશારામાં ને પોતાની મરજીમાં એ મુસ્તાક છે. અંતે પ્રેમનું સર્વકાલીન સત્ય રજૂ થઈ જાય છે. પ્રેમ જીવવા માટે છે જ નહીં, પ્રેમ જીવ લેવા માટે છે, મરવા માટે છે. આ એવું મોત છે જે પળે પળે અનુભવવું પડે છે. જે ટુકડે ટુકડે તોડે છે ને ખતમ કરે છે.
પૂરા પાંચે પાંચ શેર ખુમારીથી છલકાય છે તો છેલ્લા શેરમાં નાયિકા સત્યનો સ્વીકાર જ નહી, સત્ય પાસે સમર્પણ પણ કરી દે છે. અલબત્ત એમાં લાચારી નથી, વાસ્તવિકતાનો સ્વીકાર છે અને આ સ્વીકારના શબ્દોનું સૌંદર્ય, સત્યને નવા અજવાળામાં ગૂંથે છે એ કવિતાની મજા છે.
OP 14.6.22
***
આભાર
17-06-2022
આભાર રેખાબેન, રેણુકાબેન, વિમલભાઈ, વિવેકભાઈ, વારિજભાઈ, કિશોરભાઇ, દીપકભાઈ, છબીલભાઈ
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા મિત્રોનો પણ આભાર
Vimal Agravat
16-06-2022
ખૂબ ગમતી ગઝલ. હર્ષવી પટેલને અભિનંદન
વિવેક મનહર ટેલર
14-06-2022
હર્ષવીની ઉત્તમ રચનાઓમાંની એક… સિગ્નેચર પોએમ પણ ગણી શકાય…
Varij Luhar
14-06-2022
મને મળ્યા પછી….. વાહ ખૂબ સરસ ગઝલ અને આસ્વાદ
રેણુકા દવે
14-06-2022
ખૂબ જ સરસ ગઝલ, હર્ષવી
દરેક શેર ખુમારીથી અને ગઝલિયતથી ભર્યા ભર્યા…
લખતા રહેજો અને..
અવારનવાર દેખાતાય રહેજો 😊
કિશોર બારોટ
14-06-2022
આ ગઝલથી હું હર્ષવી બેનના આગવા અવાજથી પરિચિત થયો.
ખૂબજ સુંદર ગઝલ.
દીપક વાલેરા
14-06-2022
ખૂબ સુંદર ગઝલ
છબીલભાઈ ત્રિવેદી
14-06-2022
ખુમારી અને દંભ રહીત જીવન અેજ સાચુ જીવન છે વાહ ખુબ સરસ રચના આવા પણ કાવ્યો હોવા જોઈએ આભાર લતાબેન
રેખાબેન ભટ્ટ
14-06-2022
હર્ષવીબેનની ખૂબ ગમી જાય એવી ખુમારીવાળી ગઝલ
