હર્ષા દવે ~ એ જ આશા * Harsha Dave

સાર છે

એ જ આશા રાખવામાં સાર છે,
બંધ છે એ શક્યતાનું દ્વાર છે.

આપણી બારી ઉઘાડી રાખીએ,
તો બધે અજવાસ પારાવાર છે.

લાગલું મીરાંપણું જ્યાં ઓગળે,
વાંસળીનો એ પછી વિસ્તાર છે.

આટલું ભળભાંખળું તો થઈ ગયું,
ક્યાં હવે દિઉગવામાં વાર છે ?

રંગ કેવો વૃક્ષ ઉપર ખીલશે !
એક ટહુકા પર બધો આધાર છે.

એ જતાં ને આવતાં વહેરે મને,
શ્વાસને પણ બેઉ બાજુ ધાર છે.

~  હર્ષા દવે

શેરીયતથી ભરેલા એક એક શેર. દરેક શેર એક નરવી હકારાત્મકતા લઈને આવે છે પણ છેલ્લો અદભૂત. એ નરવી નહીં પણ નકરી હકારાત્મકતા પીરસે છે. શ્વાસને બેય બાજુ ધાર છે એમ કહીને કવિ દરેક શ્વાસે જીવન કપાતું જાય છે અને મોત નજીક આવતું જાય છે એ સચ્ચાઈ તરફ ભાવકની આંખ ખોલે છે. વાહ કવિ !    

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “હર્ષા દવે ~ એ જ આશા * Harsha Dave”

  1. દરેક શેરમાં હકારાત્મકતા ઘૂંટાઈને આવી છે. અભિનંદન.

Scroll to Top