
1.
*પૂછે છે સૂર્યને*
પૂછે છે સૂર્યને કે રોશની શું કામ ઝાંખી છે?
ઘુવડને કોણ સમજાવે કે તારી આંખ કાચી છે!
ઘણાં આશ્ચર્ય ને સ્ફોટક રહસ્યોથી ભરેલી છે,
મને લાગી રહ્યું છે કે ક્ષણો ઊડતી રકાબી છે.
કપાયું ઝાડ ત્યારે કેટલાં પંખી થયાં બેઘર,
તમે અખબારમાં ક્યારેય એવી વાત વાંચી છે?
કરચ તો કાચની થોડીઘણી ઊડશે તમોને પણ,
બીજાના કાચઘર સામે તમે બંધૂક તાકી છે.
તમે આ શ્વેત લટને રંગવા જે હાથમાં લીધી,
તમારી એ પીઁછી કરતાં સમયની દોટ પાકી છે.
~ હર્ષા દવે
કટાક્ષથી શરૂ થતી ગઝલ તરત અકળ, અગમ્ય અને અદભૂત પ્રદેશની સફરે લઈ જાય છે. જ્યાં કવિને જ નહીં, ભાવકને પણ ઊડતી રકાબીનો રોમાંચ થાય. ત્રીજા શેરમાં એકદમ ભાવપલટો થાય છે. વૃક્ષો કપાવાની ઘટનાને મુદ્દો બનાવી અખબારને ચકચાર જગવવી હોય છે… સંવેદનાનું અહીં કામ જ હોતું નથી એ સમાચાર વાંચનાર પણ જાણે છે. કોઈક જ એવું હોય કે જેને પંખીઓનું બેઘર થવું દેખાય. ત્યારે નિશાન બીજે તાકવાનો અર્થ ક્યારેક પોતાના સામે પણ તીર આવવાની તૈયારી રાખવી એ થાય. એટલે જ કહે છે ને કે આંગળી ચીંધીએ ત્યારે એક જ આંગળી સામેના તરફ અને ત્રણ આંગળી પોતાના તરફ હોય છે. અને અંતે સમયને સલામ કરી સનાતન સત્ય ચીંધી ગઝલ વીરમે છે.
2.
*વાંચજો*
ક્ષેમકુશળ વાંચજો,
એમ કાગળ વાંચજો,
છે ગડી જેવી પીડા,
પત્રની સળ વાંચજો.
જો લખું હું ઝાંઝવા,
તો તમે છળ વાંચજો.
છો તમે દરિયો, ભલે!
વાવનું તળ વાંચજો.
જ્યાં કલમ ભાંગી પડી,
ત્યાંથી આગળ વાંચજો.
અક્ષરો રેલાય ત્યાં….
આંખનુ જળ વાંચજો.
~ હર્ષા દવે
પત્રનો જમાનો ગયો પણ ભાવના સલામત છે. સ્વરૂપ બદલાય છે, રસમ બદલાય છે, બસ. જે નથી લખાયું કે નથી લખી શકાયું એ વાંચવાની અરજ સાવ ઓછા શબ્દોમાં અને છતાંય ચોટદાર રીતે કહેવાઈ છે. જાનદાર ગઝલ.

બન્ને રચના સરસ… સરસ.
બન્ને રચનાઓ ખુબ સરસ કાવ્યાસ્વાદ સરસ
હર્ષાબેનની ગઝલો અભિજાત સુગંધ અને રંગથી શોભાયમાન છે. ખૂબ ગમે તેવી રચનાઓ.
વાહ, સુંદર ગઝલાભિવ્યક્તિ.
બહુજ ઉત્કૃષ્ટ રચના.
વ્યંજનાથી હર્ષાબહેને વિષયને સરસ ઊઠાવ્યો છે. આસ્વાદ પણ સરસ છે. અભિનંદન.
વાહ, બન્ને ખૂબ સરસ રચના