હર્ષા દવે ~ એકવાર જ્યારે.. * Harsha Dave

મેઘધનુષ ~ હર્ષા દવે

એકવાર જ્યારે..

એ આકાશમાં રચાયેલું મેઘધનુષ જોતી હતી,

બરાબર ત્યારે મા એને માથું ઓળી આપતી હતી..

ને માએ છણકો કરીને કહેલું..

“સીધી બેસ..!! નીચું જોઈને..!”

અને એ નીચું જોઈ ગયેલી.

બીજીવાર..

સમયસર ઘરે પહોંચવાની લાહ્યમાં

એ મેઘધનુષને સ્કુલના આકાશમાં જ છોડીને

ઝટપટ સ્કુલ બસમાં ચડી ગયેલી.

પછી એક વખત…

એને ‘જોવાં’ આવેલાં મહેમાનોની

સામે બેસી રહેવામાં

એ મેઘધનુષને જોવાનું ચૂકી ગયેલી.

કેટલાક વર્ષો પછી..

એનાં પહેલાં સંતાનનાં જન્મ વખતે

હોસ્પિટલનાં રૂમની બારીમાંથી

એણે ફરી પાછું  મેઘધનુષને અલપઝલપ જોયેલું…

અને છેલ્લે.. થોડાં વર્ષો પહેલાં

જ્યારે એણે જોબ શરુ કરી

એની આગલી સાંજે જોયેલું…

….આજે.. છેક ઢળતી ઉંમરે..

ખુલ્લા વાળ મૂકીને…એ ગેલેરી માં બેઠી છે…

અને અચાનક જુએ છે સામે..

વરસાદ પછીના ઉઘાડમાં રચાયેલું મેઘધનુષ…

કામવાળી આવીને પૂછે છે –

“બેન, હવે વાસણ માંજી નાખું?”

એ કહે છે – “નથી માંજવા!.. અહીં બેસ,

હૈયું હેઠું મૂકીને… નિરાંતે..!

અને જો,સામે આકાશમાં જો.!!”

હર્ષા દવે

વાત વ્યથાની છે, સ્ત્રીના જીવનની વાસ્તવિકતાની છે અને કવિતામાં પ્રસરી છે મેઘધનુષની જેમ !! છેલ્લે ભાવકને પણ હૈયું હેઠું મૂકીને નિરાંતે બેસવાનું મન થઈ જાય એવી હળવાશ નિરૂપતી રચના….  

OP 10.5.22

સાજ મેવાડા

10-05-2022

વ્યથા, કલ્પન અને નિરાંત અદ્ભૂત કવિતા. જીવનની જીવાતી ઘટમાળમાં જીવનાનંદ ચૂકી જવાય છે.

છબીલભાઈ ત્રિવેદી

10-05-2022

હર્ષા દવે નુ કાવ્ય મેઘધનુષ્ય નારી ની જુદી જુદી અવસ્થા બતાવે છે કુદરતે નારી ને અેટલી હિમત આપેલી છેકે તેને કુસુમ કરતા કોમળ અને વજ્ર કરતા કઠોર પણ છે ખુબ સરસ રચના

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top