હસમુખ અબોટી ‘ચંદન’ ~ નથી જોયો

(શિખરિણી)

નથી જોયો આવો : અસુર સમ દુષ્કાળ નયને ;

મુઓ રાકાંસી થ્યો ! અવિરત કથે આંસુ સહુના.

નથી દાણો-પાણી, નજર પડે ન ઘાસ અમથું

અબોલા જીવોને અઘટિત પળે મોત ભરખે

બિચારાં બચ્ચાં તો મૃત જનનીના સ્તન મુખમાં

લઈને છાતીએ લસલસ લસે પેટ ભરવા

પરંતુ ક્યાં જાણે ? નિજ જનની છે મોત શરણે

પછી માતા સંગે દીસત સૌ કંકાલ શિશુના

દશા ભૂંડી બેઠી ન જુએ ઉર સંબંધ નિજનાં

મુખે સંતાનોના જનક બટકું એક છીનવે

અરે ! છે લાચારી ! ઘર ઘર મહીં પેટ ભરવા

પડેલી લાશોને મનુજ તડપે માંસ જમવા !

મનુષ્યો પાસે ક્યાં ? કુદરત વિણ અન્ય શરણું

અદીઠા સત્કર્મો, દુરિત રિપુતા દૂર કરજો

– હસમુખ અબોટી ‘ચંદન’

સોનેટ લખનારાં બહુ ઓછા કવિઓ છે એમાંના આ એક કવિ. શિખરિણી  છંદમાં લખાયેલી આ રચના એક મહાપીડાના સંબંધમાં છે. એમાં ઉલ્લેખ દુષ્કાળનો છે પરંતુ કોઈપણ મહામારી વખતે લોકોની સ્થિતિ આવી જ દારુણ અને દયનીય હોય છે. આજના સંદર્ભમાં જોઈએ તો શું ફેર છે ? મહામારીની સ્થિતિને કવિએ જેવી હોય તેવી જ, ભયંકર ચીતરી છે. ‘રાંકાસી’ શબ્દનો અર્થ કવિએ આપ્યો છે – ‘રાક્ષસી’. અસૂરોને પણ લજાવે એવા બનાવો આવા અતિ કપરા સમયમાં બનતા હોય છે. આજે પણ જે આ મહામારીના સમયમાં જીવનરક્ષક દવાઓ, ઈંજેકશનોના કાળાબજાર કરે છે એના માટે ‘રાંકાસી’ શબ્દ ઓછો પડે !

પન્નાલાલ પટેલની ‘માનવીની ભવાઇ’ નવલકથામાં દુષ્કાળના કંપાવી મૂકે એવા શબ્દચિત્રો છે એ આ કવિતાએ એ યાદ અપાવી દીધા.  

આપણાં શરીરથી માંડીને આ વિશ્વ, પ્રકૃતિ, સમગ્ર બ્રહ્માણ્ડ એક નિયમને આધારે ચાલે છે. ક્યાંય કશું જ રેન્ડમ નથી, બધું એકબીજા સાથે જોડાયેલું છે અને સંવાદિતાના સૂરથી જ ચાલે છે. આ સમગ્રના સૂરમાં જ્યારે ખલેલ પડે છે ત્યારે અમુક હદ સુધી કુદરત ખમી લે છે, પછી વિફરે છે અને માનવને સમજાવી દે છે કે તારી શું ઔકાત છે ! ભૂલી ન જા કે અંતે એક પરમ શક્તિ છે અને એના જ હાથમાં સઘળો દોર છે.

27.5.21

***

Sarla Sutaria

08-07-2021

કરુણ પરિસ્થિતિને સોનેટમાં કંડારી કવિએ કમાલ કરી છે. ???

લાલજી કાનપરિયા

27-05-2021

ખૂબ સરસ રચનાઓ. ગીત પછી સૉનેટ મારો પ્રિય કાવ્યપ્રકાર છે. ” સૉનેટશતક ” નામનો સૉ સૉનેટનો મારો સૉનેટસંગ્રહ આ વર્ષે જ પ્રગટ થયેલો છે.
અહીં ” કાવ્યવિશ્વ” માં રજૂ થયેલાં સૉનટ ગમ્યાં.

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

27-05-2021

આપની વાત સાચી છે, ‘માનવીની ભવાઈ’ નવલકથામાં વર્ણવાયેલી દુકાળની પરિસ્થિતિ કે કોઈ પણ કપરા કાળ વખતે રીબાતા ગરીબ મજૂર વર્ગની દશાનું ચિત્ર આવું જ હોય. સરસ સોનેટ.

રેખાબેન ભટ્ટ

27-05-2021

હસમુખ અબોટીનું કપરા કાળનું કાવ્ય. જે કોઈ પણ સમયે એટલું જ સાચું લાગે છે. પીડા દરેક વખતે સરખી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top