એક સાંજે ~ હિના મોદી
એક સાંજે
સાત વર્ષના મારા દીકરાએ
એના ખભા કરતાં લગભગ ડબલ સાઇઝની
સ્કૂલબેગ ખભેથી ઉતારતાં, મને પૂછ્યું –
મમ્મી ! તને ‘ફેઇસ રીડીંગ’ આવડે ?
હું જરા ચોંકી ગઇ
પછી – સ્વસ્થ થઇ મેં પૂછ્યું
’ફેઇસ રીડીંગ’ એટલે શું ?
એ બોલ્યો –
જો હું તને શીખવું.
હું એને એકીટશે જોતી રહી
એ સડસડાટ બોલવા માંડ્યો,
આપણે જેની સાથે વાત કરતાં હોઇએ –
એનો ફેઇસ જોવાનો,
એની આઇઝ જોવાની
તેથી આપણને ખબર પડે કે –
તે આપણો ફ્રેન્ડ છે કે એનીમી ?
હું ચુપચાપ એની ભોળી આંખો જોતી રહી.
મને એની ભોળી – કુતૂહલ આંખોમાં
અનેક પ્રશ્નોના ખડકલા દેખાયા
મને, એ
ખીણમાં પ્રશ્નોનાં ઉત્તરો ખણતો અનુભવાયો.
તો શું..
હું આ ઘટનાને ‘વિશ્વદર્શન’ કહી શકું ?
~ હિના મોદી
માતાને માટે બાળકનું આ વિશ્વ સુખનું અને હળવાશનું કેન્દ્ર છે. સમસ્યાઓથી ઘેરાયેલી સ્ત્રીનું માતૃત્વ બાળકમાં ઓતપ્રોત થાય છે ત્યારે એ એક અલગ વિશ્વમાં પહોંચી જાય છે અને એની દુનિયા પણ સંપૂર્ણ અને સુખથી ભરીભરી થઇ જાય છે. બાળકની આંખમાં એ ઇશ્વરને જોઇ શકે છે, માત્ર જોઇ જ નહીં, અનુભવીયે શકે છે !! કદાચ એટલે જ કહેવાયું હશે કે ‘બાળકની આંખમાં બ્રહ્માંડ હોય છે.’ આ વાત આંખમાં તરવરતા ભોળપણની છે, એમાં તગતગતા વિસ્મયની છે. એટલે જ દરેક માતાને પોતાના બાળકમાં કાનુડો, કહો કે ઇશ્વર દેખાતો હશે ! એક નાનકડી વાતને માતાની મમતા, કવિની સંવેદના ઐશ્વરીય સ્તર સુધી પહોંચાડે છે. આ અછાંદસ કાવ્ય સામાન્ય વાતચીતથી શરુ થઇ સ્પર્શી જતા ચિંતનમાં સમાપ્ત થાય છે.
OP 19.9.22
Meena Jagdish
23-09-2022
સુંદર કાવ્ય…..👏👏👏
બાળકો જે કંઈ નવું શીખે ..સાંભળે એને જ્યારે મા પાસે ditto એ જ શબ્દોમાં રજૂ કરે ને ત્યારે એની રજૂઆત એના હાવભાવ માણવા એ અનોખો લ્હાવો છે…👌
આભાર
20-09-2022
આભાર મેવાડાજી, છબીલભાઈ, સુભાષભાઇ, ઉમેશભાઈ, કીર્તિચંદ્રજી.
‘કાવ્યવિશ્વ’ના સૌ મુલાકાતીઓનો આભાર
SUBHASH R MODI
19-09-2022
VERY NICE
સાજ મેવાડા
19-09-2022
વાહ, એક પ્રસંગને કવિતામાં ઢાળી વિચારતા કરી દીધા.
Kirtichandra Shah
19-09-2022
તો શું આ ઘટનાને વિશ્વ દર્શન કહી શકાય વાહ અતિ સુંદર
ઉમેશ જોષી
19-09-2022
હિનાબેન મોદીની અછાંદસ રચના ઘણું ઘણું કહી જાય છે, બાળમાનસ અને બાળકોની સંવેદના સમજાય તો બાળકોના નાનકડાં અને સામાન્ય પ્રશ્નો આખું વિશ્વ સજીઁ આપે છે..
અભિનંદન…
છબીલભાઈ ત્રિવેદી
19-09-2022
ખુબ સરસ અછાંદશ કાવ્ય માતા ને મન તેનુ બાળક દુનિયા નુ સૌથી સુંદર બાળક છે અેટલેજ કનૈયા એ માતા ને મુખ મા બ્રહમાંડ દર્શન કરાવ્યુ હતુ આભાર લતાબેન
