એમ નહીં કે આવું જોઇએ
પોતપોતાના ચોમાસામાં પોતાએ ભીંજાવું જોઇએ.
કોઇને વરસે મુશળધારે, કોઇને હોય ઉઘાડ
કોઇને ધૂળમાં ચકલી ન્હાતી, કોઇને જળની વાડ
હું પણ ફૂટું કૂંપળ જેવું, એવું મનમાં થાવું જોઇએ..
ઇચ્છાના છલકાતા નેવે, હળવે દઇને દડવું
ફળિયે પડતાં ફોરાંમાંથી, વ્હાલપ થઇને જડવું
છાતીમાં છૂંદાવ્યા મોર તો ગીત વરસાદી ગાવું જોઇએ….
કાગળની હોડીમાં તરતું, કોઇ ફૂલ શું નામ
શેરી છલકી હાલી તોયે, સાવ અજાણ છે ગામ
શરમ બધી શાવરને સોંપી ફળિયે ક્યારેક ન્હાવું જોઇએ….
~ હેમંત ગોહિલ ‘મર્મર’
હોવાની હેલી – લતા હિરાણી
કવિ હેમંત ગોહિલના આ ગીતમાં આમ જુઓ તો વાત વરસાદની છે, વરસાદમાં ભીંજાવાની છે પણ એનાથી આગળ, કશુંક અકળ એ કહેવા માંગે છે. ભીતરનો તાગ કાઢવા કવિ મથે છે, કહો કે સૌ પાસે એ એવું કંઇક માંગે છે અને એટલે જ કહે છે, ‘પોતપોતાના ચોમાસામાં પોતાએ ભીંજાવું જોઇએ.’ કવિએ અહીં ચોમાસાને જાતમાં સંકોરવા કહ્યું છે અથવા પોતાનું આગવું ચોમાસું નિપજાવવાની વાત છે અને એ વાત મનને ભીંજવી દે છે.
પોતપોતાનું ચોમાસું છે એટલે કોઇને મુશળધાર હોય, જળની રેલમછેલ હોય તો કોઇને ઉઘાડ હોય, ધૂળમાં ચકલી નહાતી હોય.. વાત અંદરની છે, વાત અંદરની મોસમની છે, પણ હર હાલમાં મનને કૂંપળની જેમ ફૂટવાના ઓરતા હોવા જોઇએ. વાતને થોડી આગળ વધારીએ તો હર હાલમાં ખુશમિજાજ રહેવાનુંયે કદાચ કવિ ઇજન આપે છે એવું નથી વર્તાતું ?
વરસાદી મોસમ જ એવી છે કે છાતીમાંથી ધોધ વછૂટે. સૂકી બરડ ધરતી પર હરિયાળી અમથી છવાઇ જાય છે ? વરસાદી કાવ્યોથી કવિતાજગત છલકાય છે. કવિએ વરસાદને માત્ર છાંટણા કે ધાર પૂરતો સીમિત નથી રાખ્યો. કહે છે, ‘ઇચ્છાના છલકાતા નેવે હળવે થઇને દડવું.’ એકસાથે આંતરજગત અને બાહ્યજગતની યાત્રા કવિ કરાવે છે. ઇચ્છાઓના સામ્રાજ્યમાં સંભાળવું કેટલું જરૂરી છે ! ઇચ્છાઓને વશમાં રાખવી કે ઇચ્છાના વશમાં રહેવું ? વરસાદની વાત કરતાં કરતાં કવિ આંતરચેતનાને સ્પર્શવા પ્રયત્ન કરે છે. માનવીનું મન એટલે ઇચ્છાઓનો મહાસાગર ….. એમાં હળવે રહીને દડવાની વાત સમજણની સાથે મધુરતાયે વેરી જાય છે.. વળી ધીમે ધીમે એ વ્હાલની દુનિયામાં પ્રવેશી વરસાદી મૂડમાં આવી જાય છે અને કહી ઊઠે છે, ‘છાતીમાં છૂંદાવ્યા મોર તો ગીત વરસાદી ગાવું જોઇએ…..’
કાગળની હોડીમાં એક મીઠું મધુરું ફૂલ શું નામ તર્યા કરે છે, ભીંજવ્યા રાખે છે.. કાગળની હોડી કહીને કવિ કદાચ આ ઇમેઇલના જમાનામાં પત્ર તરફ ઇશારો કરે છે !! પત્રોનો લ્હાવો માણ્યો હોય તે જ જાણે.. અક્ષરોની સુગંધ લઇને આવતો મધમીઠો કાગળ ભાવકની આંખો સમક્ષ એક મજાનો રંગીન ભૂતકાળ ખડો કરી દે છે.. જોવાની વાત એ છે કે હૈયાની શેરી છલકી હાલે તો યે ગામને એની જાણ સુદ્ધાં ન થાય !
આપણે ફરી કવિના કવિત તરફ આગળ જઇએ… વાત તો એમણે બહુ મજાની કરી છે… વરસતા વરસાદમાં બહાર નીકળી ફળિયામાં નહાવાની… એની મજાયે નોખી છે…. શરમ, શાવર અને સોંપવાનું… સારું લાગે છે પણ હેમંતભાઇ, આ આખા ગીતની મજાની ભીની ભીની લીલીછમ્મ ભાષામાં અંગ્રેજી શબ્દ ‘શાવર’ કેમ લાગે છે ? જુઓને આ,
‘શરમ બધી નળીયે મૂકીને ફળિયે ક્યારેક ન્હાવું જોઇએ….’
દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 100 > 20 ઑગસ્ટ 2013

વાહ, સરસ કાવ્ય, અને એવો જ સરસ કાવ્યનો ઉઘાડ આપે કર્યો છે.
આભાર મેવાડાજી
વાહ ખુબ કાવ્ય આસ્વાદ પણ ખુબ સરસ અભિનંદન
આભાર છબીલભાઈ
ખૂબ સુંદર ગીત : કવિશ્રી હેમંત ગોહિલ ‘ મર્મર ‘ એક નવું નામ છે પણ તેમનો પરિચય અને વિગતો કદાચ ઉપલબ્ધ નથી એવું મારું માનવું છે.કયારેક તેમની રચના સાથે પરિચય મળે તો ગમે.જો કે આ ગીત ધણાં વર્ષો પૂર્વે “દિવ્ય ભાસ્કર ‘ માં મૂકાયેલું છે એટલે કવિ મર્મરને નવોદિત ન કહી શકાય ! આ ગીતથી ધણી અપેક્ષા જાગે છે
પ્રફુલ્લ પંડ્યા
મેં એમનું નામ વર્ષોથી જાણેલું છે. બહુ સારા કવિ છે. પરિચય અનુકૂળતાએ જરૂર મૂકીશ. આભાર પ્રફુલ્લભાઈ
ગીત અને આસ્વાદ ખૂબ સરસ…
આભાર ઉમેશભાઈ.
ખૂબ સરસ કાવ્ય એટલું જ સરસ વિવેચન