હેમંત ધોરડા ~ બે ગઝલ * Hemant Dhorada

એકધારો ધીમે ધીમે રૂમમાં પંખો ફરે,
બલ્બનો અજવાસ મૂંગો ભીંતથી ખરતો રહે.

ધૂંધળાતા ધૂમ્રસેરોમાં વિખેરાતા શબદ,
એક કાગળ કોરો કાળા મેજ પર કોરો રહે.

લાકડાની બારી, બારીનો જરા તૂટેલો કાચ,
એક ટુકડો ઝાંખા તડકાનો સ્મરણ જેવો પડે.

પરદા છેડા પરથી ફાટેલા જરા હલતા નથી,
એક અટકેલો સમય પણ ના હલે કે ના ચલે.

છતથી ગળતાં પાણીનાં ધાબા પડે દીવાલોમાં,
અણકથી એક વાત પણ ગૂંગળાય ગૂંગળાય કરે.

~ હેમંત ધોરડા

એક સ્થળનું શબ્દચિત્ર, ઉદાસીનો અસબાબ, પીડાનો પ્રેમપત્ર….

કદી હોઠ પર રમાડજો કદી આંખમાંય લાવજો
હવે સ્પર્શનું સ્મરણ છું હું મને સાચવીને રાખજો

કદી સંગ સંગ આપણે નભે રંગ કંઈ પૂર્યા હતા
હવે સાંજ શ્વેત લાગશે હવે રાત શ્યામ ધારજો

કદી કોસથી ઢળ્યા હતા કિચૂડાટમાં ભળ્યા હતા
હવે નીક લાગશે નીરવ કે ન ડોલ વાંકી વાળજો

નહીં શંખમાં ન છીપમાં નહીં રેત પર ન કંકરે
હવે અનવરત પવન છું હું મને જળતરંગે જાણજો

હું લખાયલા ચરણમાં પણ હું ચરણ પછી ધવલમાં પણ
મને માણજો શબદમાં પણ મને મૌનમાં મલાવજો

~ હેમંત ધોરડા

જે રગરગમાં વ્યાપી ગયું છે, જે સમગ્ર પ્રકૃતિમાં ભળી ગયું છે તેને આમ શબ્દોમાં વ્યક્ત કરવુંયે પ્રેમી માટે કેટલું પીડાકારક છે!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “હેમંત ધોરડા ~ બે ગઝલ * Hemant Dhorada”

Scroll to Top