સરૂપ ધ્રુવ ~ ઓછા પડ્યાં * Sarup Dhruv

આમ તો અઢળક હતાં મ્હોરાં, છતાં ઓછાં પડ્યાં
જળ લઈ ખોબોક, ચહેરા એ પછી જોવા પડ્યા

આપણે માન્યું હતું કે હાથ જશરેખા હશે
ચાડિયાના દેશમાં ટૌકા ઊગ્યા : ભોંઠા પડ્યા

વ્હાણ નામે પથ્થરો તાવીજ બાંધીને તર્યા
પણ કિનારો આવતાંમાં કેમ પગ ખોટા પડ્યા ?

હાલતા’તા ચાલતા’તા તોય પડછાયા હતા
શ્વાસમાં પીંછીં ઝબોળી તોય તે કોરા પડ્યા

લોહીના જંગલમાં દાવાનળ ફૂંકાયો – દોડજો
એ પછી કહેતા નહીં “વાદળ છીએ – મોડા પડ્યા”

ફૂંક મારીને પગેરું હોલવી દે એ બીજા
આપણી પાછળ ભલેને, શ્વાસનાં ટોળાં પડ્યા

~ સરૂપ ધ્રુવ

સરુપ ધ્રુવના કાવ્યસંગ્રહનું નામ સળગતી હવાઓ. એમની કવિતાને સ્પર્શો અને દઝાય નહીં એવું કેમ બને? પણ આ આક્રોશ સમાજ સામે છે, ન ઓલવાતી સમસ્યાઓ સામે છે, આ કટાક્ષ પરંપરાઓ અને એના પ્રેમમાં રહેનારાઓ માટે છે. અને આવા અવાજો વગર સમાજ વાંઝિયો ન થઈ જાય?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “સરૂપ ધ્રુવ ~ ઓછા પડ્યાં * Sarup Dhruv”

  1. 'સાજ' મેવાડા

    ગઝલ વારંવાર વાંચવાથી એનો વેદનામય અણસાર અનુભવાય છે.

  2. લોહીના જંગલમાં દાવાનળ…
    અકથ્ય વેદનાની ઝાળ… સુપેરે નિરુપણ

  3. પ્રવિણ જેઠવા

    લોહીના જંગલમાં દાવાનળ…
    અકથ્ય વેદનાની ઝાળ… સુપેરે નિરુપણ

Scroll to Top