મકરંદ દવે ~ અદકાં અજવાળાં Makrand Dave

પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ,
પારણીયે ઝૂલે ઝીણી જ્યોત રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ..

નભથી પધારી મારી તારલી રે લોલ,
અંગે તે વ્હાલ ઓતપ્રોત રે…અદકાં..

લેજો રે લોક એનાં વારણા રે લોલ,
પુત્રી તો આપણી પુનાઈ રે…. અદકાં..

ઓસરિયે, આંગણિયે, ચોકમાં રે લોલ,
વેણીના ફૂલની વધાઈ રે…. અદકાં…

ગૌરીનાં ગીતની એ ગુલછડી રે લોલ,
દુર્ગાના કંઠનો હુંકાર રે…. અદકાં…

બાપુની ઢાલ બને દિકરો રે લોલ,
કન્યા તો તેજની કટાર રે…. અદકાં…

ઉગમણે પ્હોર રતન આંખનું રે લોલ,
આથમણી સાંજે અજવાસ રે… અદકાં…

રમતી રાખો રે એની રાગિણી રે લોલ,
આભથી ઊંચેરો એનો રાસ રે…. અદકાં…….

~ મકરંદ દવે

સંતત્વના આરે  પહોંચેલા અલખના કવિ એટલે સાંઈ મકરંદ દવે. ગોંડલમાં જન્મેલા આ કવિની, કહેવતની કક્ષાએ પહોંચેલ ગીતની પંક્તિઓ, ‘ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ને ગમતાંનો કરીએ ગુલાલ’ ગુજરાતી સાહિત્ય માટે ગૌરવ સમાન છે.

હાલરડાં સમા આ રસભર ને મધુર ગીતમાં ‘વારણાં’, ‘પુનાઇ’, ‘ઓસરી’ કે ‘અદકાં’ જેવાં શુદ્ધ કાઠિયાવાડી શબ્દો ગીતને વાચકના ચિત્ત સાથે ઓતપ્રોત કરી દે છે. ખાસ કરીને ‘અદકાં’ શબ્દ બહુ મીઠડો બની જાય છે. ગીતના શબ્દો સરળ છે અને એટલે તરત લોકહૃદયે વસી જાય એવા છે. સંવેદનો એટલાં તો સહજ ને મધુર છે કે દરેકને એ પોતાની વાત લાગે. અને એ જ આ ગીતની ઊંચાઇ છે..

ગુજરાતી ગીતકવિતામાં ‘રે લોલ’ શબ્દો ગીતને એવું વહેતું ને રમતું કરી મેલે છે. આ અલગારી કવિના સર્જનમાં જ કંઈક અદકું છે, જેનાં અજવાળાં પથરાતાં જ રહેશે.

‘દિવ્ય ભાસ્કર’ > કાવ્યસેતુ’ 12 > 29.11.2011

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “મકરંદ દવે ~ અદકાં અજવાળાં Makrand Dave”

  1. Kirtichandra Shah

    સંત કવિ Makrand દવે નું આ ગીત ખૂબ સુંદર છે ધન્યવાદ

  2. રેખાબેન ભટ્ટ, ગાંધીનગર

    મકરંદ દવેને વંદન.દીકરીનાં હેતથી ઓવરણાં લેતી કવિતા. કવિતા એના શબ્દો થકી વેદની ઋચા જેવી લાગે છે.

  3. 'સાજ' મેવાડા

    સાંઈ મકરંદ દવેની આ ગીત રચના ખૂબજ ગમી. સ્મૃતિ વંદન.

Scroll to Top