તું માણસ છે કે હરિ ?
આંખ બીડી હાથ બે ભેગા કરી;
એક ઈચ્છા આવવાને કરગરી.
બહાર નીકળીને પ્રવાહી થા હવે,
ઘટ્ટ ઘન આંસુની તીણી કાંકરી.
ખ્વાબમાં પણ રિક્તતાઓ છે હવે
ઓ હકીકત કઈ રીતે તું સંચરી.
ચોતરફ રખડ્યો ને ક્યાંય ના મળી,
એક પણ છાંટા વગરની એક છરી.
આઠદસ મહોરાંઓ પહેર્યાં કેમ તેં ?
એ ભલા માણસ તું માણસ છે કે હરિ ?
~ સૌમ્ય જોશી
આઠ દસ મ્હોરા પહેરવા ની વાત ખુબ ગમી અભિનંદન
દરેક શેર અભિવ્યક્તિની તાજગી અને આકર્ષક છટાથી ભરપૂર
જુદા જ મિજાજની ગઝલને લઈને કવિ આવ્યા છે. સરસ ગઝલ છે.
વાહ, છેલ્લો શૅર અદ્ભૂત.