જગદીપ ઉપાધ્યાય ~ ઈજન * Jagdip Upadhyay

બે કાંઠે છલકાતી આંખો ભરપૂર, વહે નસનસમાં પૂર, આવ ડૂબીએ,
ડૂબવાની મોસમ છે ફાટે છે ઉર, નથી ડૂબવાનું દૂર, આવ ડૂબીએ.

લીલા ટહુકાની સંગ લઈએ હિલ્લોળ, આજ બહાના ના ખોળ, આવ ડૂબીએ,
નીતરતાં ફૂલોની ઊડે છે છોળ, એમાં થઈએ તરબોળ, આવ ડૂબીએ

જીવનમાં મોતી ના કોઈ મળે દામ, ન’તો છીપલાં કે નામ, આવ ડૂબીએ,
કારણ વિણ ડૂબ્યા એ પામ્યા છે રામ, તો એમ જ ને આમ, આવ ડૂબીએ

મિથ્યા શું તર્કો, સંશય ને વિવાદ, શું જૂઠી ફરિયાદ, આવ ડૂબીએ,
પ્રેમ તણો મહેરામણ પાડે છે સાદ, મેલી જગના સૌ વાદ, આવ ડૂબીએ.

તું ધાર મને જળ, તને ધારું તળાવ, બની ભીનો બનાવ, આવ ડૂબીએ,
જીવવાનો અર્થ ક્યાંક ડૂબવું ઘટાવ, તજી કોરો અભાવ, આવ ડૂબીએ.

~ જગદીપ ઉપાધ્યાય

પ્રિય મિત્રની પૂણ્યસ્મૃતિએ …

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “જગદીપ ઉપાધ્યાય ~ ઈજન * Jagdip Upadhyay”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    ભાવ અને રસમાં તરબોળ કરીને આવ ડૂબીએ એવું આમંત્રણ આપતું મદીલું ગીત

  2. ઉન્મત્ત ભાવને વ્યક્ત કરતી સરસ રચના. અભિનંદન.

Scroll to Top