મણિપુર વિભીષિકા
કવિતા કેમ લખવી (મણિપુર પછી) ~ પ્રતિષ્ઠા પંડ્યા
મને ‘થોડી તો શરમ રાખ’ કહેવાનું બંધ કર
નહીં કહે મને મારી જીભને કાબૂમાં રાખવાનું
હું ઉતારીને ફેંકુ છું તારી કવિતાની પરંપરાઓ,
અને સાહિત્યિક મૂલ્યોને એક પછી એક
પંક્તિઓ, કડીઓ, અર્ધચરણો, રદિફ, કાફિયા, મત્લા,
લય, છંદ, પ્રાસ, અનુપ્રાસ, અપૂર્ણાન્વયો….
મારી છાતીએ વળગેલી તારી આ આખે આખી
હરામી બારાખડીને ફાડીને કરું છું લીરાં.
મારી જાંઘ વચ્ચેના ઘાવોને છુપાવતાં
તારા શાપિત રૂપકોને પણ ખેંચી તાણું છું.
હા, ફરું છું હું સાવ ઉઘાડી થઈને તારી સભ્ય શેરીઓમાં
શરમ વગરની, નાગી, લોહિયાળ….
અરે ચૂપ કર!
નહીં કહે મને નીચા આવજે વાત કરવાનું
સાંભળ…
સાંભળ મારી ચીસો, ગર્જના, મારું આક્રંદ, મારા વિસ્કોટ,
સાંભળ ઊંચા અવાજમાં શબ્દવિહોણું મારું રુદન,
આ કકળાટ..
જો મને આ શણગાર વિનાના,
ઘવાયેલા, ચુંથાયેલા શબ્દોને
ચત્તાપાટ અહીં તારી આ પવિત્ર જગ્યા પર ગોઠવતી
પેલી બળાત્કારિત સ્ત્રીઓના શરીરની જેમ — કુકી, મૈતાઈ
દલિત, ક્રિશ્ચયન, આદિવાસી, હિન્દુ, મુસ્લિમ
બધી એકમેકની અડખેપડખે.
નહીં શિખવાડ મને આજે કે
કવિતા કેમ લખવી.
~ પ્રતિષ્ઠા પંડ્યા
આ બાઈ છે ~ અનિલ ચાવડા
હા જી, જેની પર થયો’તો રેપ, એ આ બાઈ છે!
શું કહ્યું સર, નામ? એનું નામ ભલમનસાઈ છે!
કોર્ટના દરવાજે છે લાચારીઓ લોહીલુહાણ,
બાપડી એ ન્યાયના રસ્તે ઘણી ઢસડાઈ છે.
બાગનું જોતો‘તો સપનું છોડ ઉકરડાનો જે,
એની ઉપર ચકચકિત કુહાડીઓ ઝીંકાઈ છે.
સૂર ચૂક્યો જો ગવૈયો, પંડિતે ઊધડો લીધો,
પણ સભામાં ભૂપતિની છીંક બહુ વખણાઈ છે!
જે ઘરે બસ એક રકાબી ચાના પણ સાંસા હતા,
એ ઘરે ઊડતી રકાબી આવીને ટકરાઈ છે.
ખૂન સપનાનું કરે જે એ ય તાલિબાન છે,
સાવ સહેલી વાત પણ ક્યાં કોઈને સમજાઈ છે!
~ અનિલ ચાવડા

હ્રદય દ્રાવક રચનાઓ
આક્રોશ ઊઘાડે છોગ રજૂ થાચ ત્યારે જ એવા પ્રસંગનો ઝાટકો લાગ. કવિ શ્રી અનિલ ચાવડાની ગઝલ કોર્ટ રુમમાં થતા વર્ણની ઝાખી કરાવે છે.