લતા હિરાણી ~ સખા તારા વિના (સોનેટ) * Lata Hirani

🌸

સોનેટ – છંદ શિખરિણી

સખા તારા વિના, નયન નમણાં એમ રટતાં
રહો સંગે સંગે, સજન ગહને ઉર વસતાં
ઉતારીને આવો, ઉચક મન ઉધામ સઘળાં   
ખુલોને ઉમંગે, તરજ રણકે ગાય શમણાં.  

રચાયે જાવા દો, અજબ નજરોના સરવરો
વિલાવા ના દેશો, હરખ દિલના નિત્ય છલકો
જુઓ મારા હૈયે, રટણ તમના સ્મિત સજતાં  
વળી મીઠી યાદો, તમસ ઉરના ક્યાંય હટતાં  

ગયાં તારા વિના, વરસ સઘળાં ભેજ ભરિયાં   
હવે શામી તાપો, દરસ દઈ દો પ્રાણ ઠરતાં.
અરે આ રાત્રિએ, નયન ખુલતાં આભ છલકયું
કહો કેમે ખાળું ? અરધ સપને કોઈ મલક્યું.

સખા આ હોંશીલા, અધર રટતાં નામ તુજનું
દશે દિશાઓમાં, નવલ નરવું ગાન રમતું.     

~ લતા હિરાણી (7.3.2023)

આદરણીય શ્રી પ્રફુલ્લભાઈ રાવલનો ખાસ આભાર. સોનેટ હું લખી શકું એવો કદી વિચાર પણ નહોતો આવ્યો. એમણે કવિલોકના સોનેટ વિશેષાંક માટે આગ્રહ કરીને આ સોનેટ લખાવડાવ્યું…

કવિલોક > જૂન 2023

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

10 thoughts on “લતા હિરાણી ~ સખા તારા વિના (સોનેટ) * Lata Hirani”

  1. વાહ લતાબહેન !છંદોબદ્ધ રીતે સોનેટ લખવું અભ્યાસ માંગી લે છે. ભાવ પ્રમાણે સોનેટનું નિર્વહન થઈ શક્યું એ માટે તમને અભિનંદન.પ્રફુલ્લભાઈની માંગ પ્રમાણે તમે એ લખ્યું એ માટે તમને બંનેને ધન્યવાદ.

  2. ઉમેશ જોષી

    ખૂબ સરસ સૉનેટ…કવિલોકનો સૉનેટ વિશેષાંક ખૂબ સરસ છે.

Scroll to Top