વિનોદ જોશી ~ બે ગીતો * Vinod Joshi  

મોર ટહુકા કરે

થાંભલીનો ટેકો ને ઓસરીની કોર,
કણબીની છોકરીએ પાળ્યો રે મોર,
મોર ટહુકા કરે, મોર ટહુકા કરે…

એણે પાંચીકા અમથા ઉલાળ્યા,
પછી છાતીમાં ટહુકાઓ પાળ્યા,
કાળજળું કાચું ને રેશમનો ભાર,
એનઘેન પાંપણમાં નવસેરો હાર,
હાર ઝુલ્યા કરે… મોર ટહુકા કરે…

મોરપીંછાની વાત પછી ઊડી,
ઠેઠ સાતમે પતાળ જઇ બૂડી,
ઉગમણી કેડી ને આથમણાં ગીત,
નીચી તે નજરું ને ઊંચી તે ભીંત,
ભીંત ઝૂર્યા કરે… મોર ટહુકા કરે…

પછી ડૂમો ઓઢીને રાત સૂતી,
બેઉ આંખો અંધારામાં ખૂંતી,
સૂનમૂન ફાનસમાં અજવાળાં કેદ,
નીંદરની વારતામાં ઢાંક્યાં રે ભેદ,
ભેદ ખૂલ્યા કરે… મોર ટહુકા કરે…

~ વિનોદ જોશી

કવિને જન્મદિને શુભકામનાઓ  

આસપાસ ઊડે છે…

આસપાસ ઊડે છે ઊતરડી હોય એ જ
ઈચ્છાની ફરી ફરી ફોતરી…

પાંચ-સાત સપનાઓ ઊંચકીને હાંફે છે
જૂનવાણી ઢોલિયાના પાયા,
ખરડાતી ધોધમાર અંધારે એકલી જ
ઓશિયાળી ઊંધમૂંધ કાયા;
પગલાં તો પાછળ ને પાછળ રહી જાય
છતાં પડછાયે જાત હોય જોતરી…

મહેકે ક્યારેક હજી ઓચિંતી
એકવાર ફૂટેલી અત્તરની શીશી,
એક બે ટકોરાનો લઈને આધા૨
રોજ લખવાની બારણાંપચીશી;
ઢાંકેલી વારતાને વળગેલી ધૂળ
પછી પાંપણથી લેવાની ખોતરી…

~ વિનોદ જોશી

કવિના જન્મદિને અભિનંદનો

‘ખુલ્લી આંખે પિંજરમાં’ કાવ્યસંગ્રહ ‘કાવ્યવિશ્વ’ને ભેટ આપવા બદલ કવિનો ખૂબ ખૂબ આભાર.

‘ખુલ્લી આંખે પિંજરમાં’ – વિનોદ જોશી

પ્રવીણ પ્રકાશન * 2023

કાવ્ય : વિનોદ જોશી * સ્વર : અંતરા નાંદી અને અંકિતા નાંદી * સ્વરાંકન : દક્ષેશ ધ્રુવ 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “વિનોદ જોશી ~ બે ગીતો * Vinod Joshi  ”

Scroll to Top