ચંદ્રકાંત બક્ષી ~ તારું શહેર મારું શહેર * Chandrakant Baxi

મુંબઈ

રાતે ખોવાઈ જતા તારાઓ
અને ઑફિસ-ટાઇમે આવતી દરિયાની ભરતી
દિવસભર આશાની જીવલેણ વાસનાઓ,
ઉપર અને ઉપર જવાની –
અપરિચયની ચામડી પહેરીને આવ્યો હતો તારા શહેરમાં
હવે લોહી નીકળતું નથી, લેસ્બીઅનોના વિશ્વમાં
આમલેટ ટ્રાય કરતા ઘાસાહારીઓના પરાક્રમ દેશમાં
રાતો વપરાતી નથી
અને વેનિલાની ખુશ્બૂથી પેટ ભરાઈ જાય છે.
કોંક્રીટ ચાવતાં મશીનો અને
અટરલી બટરલી સંસ્કારી થઈ ગયેલા લક્ષ્મીબાજો
કૅસેટની ધાર પર ઝૂલતાં અવસાદ ગીતો
જઠરમાં સીરોસીસ પાળતાં નવાં બાળકો
ઉપર જવાની રેસમાં નામો ભૂલી ગયાં છે
હાડકાંઓના અક્ષાંશ-રેખાંશ માપતા સફ્ળ માણસો
તમારા ઍરકન્ડિશન્ડ મુલ્કમાં શૈશવ આવ્યું હતું કોઈ દિવસ?
નાગી સ્ત્રીઓ, ભીની સ્ત્રીઓ,
બહાર આવી ગયેલાં મૂળિયાંવાળી ખુશ્ક ઔલાદો,
ઇમ્પૉર્ટેડ ભાષા, કાયદેસર ગુસ્સો, ક્રોમિયમ-પ્લેટેડ પ્રેમ,
ચુંબનોનો પુનર્જન્મ, શૅરબજારમાં ખરીદાતી શાંતિના ભાવ.
સુખની નવી પિરભાષા શીખી ગયો છું તારા શહેરમાં
રેડિયો કંપનીના નિયૉની વિજ્ઞાપનનો પરાગ ઝરે છે
ખુલ્લા સ્મશાન પર અને ઝોંપડપટ્ટીના દેશ પર
જે ફીયેટના દરવાજાની બહાર શરૂ થાય છે
આજે આ શહેર મારું છે
કાગડાના માળામાં હું પણ ઈંડાં મૂકતાં શીખી ગયો છું
હવે મારા દાંત સુંવાળા થઈ ગયા છે.
મને ઠગાવાનો અપમાનબોધ રહ્યો નથી,
કારણ કે ટી.વી.ના સ્ક્રીન પર મેં મારો ચહેરો જોઈ લીધો છે.
સેકંડના લાલ કાંટાને હું સલામ કરું છું.
ઉપરની રેસમાં હું છેલ્લો છું અને મારી આગળ કોઈ નથી..

~ ચંદ્રકાંત બક્ષી (20.8.1932 – 25.3.2006)

અનન્ય ગદ્યકાર ચંદ્રકાંત બક્ષીનું આ કાવ્ય. 

જન્મદિવસે સ્મૃતિવંદના  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “ચંદ્રકાંત બક્ષી ~ તારું શહેર મારું શહેર * Chandrakant Baxi”

  1. રેખાબા સરવૈયા

    🪷
    બક્ષીબાબુ તો બક્ષીબાબુ જ હતા…
    એમણે કોઈનીય પરવા કર્યા વગર લખ્યું.
    એમને મન એમના વાચકો ને ભાવકો જ એમના
    “યાર.. બાદશાહ ”
    🪷

Scroll to Top