કાવ્યસેતુ 451 : જિજ્ઞા મહેતા ~ ભરોસો પાર કરવા * Jigna Maheta

ભરોસો પાર કરવા નાવ જોડી હોય છે
પછી શંકાની એણે ગાંઠ છોડી હોય છે.

છલોછલ વાદળાંને ક્યાં લગી રાખે ભરી
વરસવાની ગરજ એનેય થોડી હોય છે.

ઘરેથી આમ તો ભાગી નદીની જેમ એ
સમંદર થઈ જવા એ આમ દોડી હોય છે?

અમે દરિયો બનીને એટલું જાણી લીધું
બધા કાંઠાની કિંમત, સાવ કોડી હોય છે.

જગતની રીત છે કે માપમાં આવી જવું
ટૂંકા લાંબાની હાલત બહુ કફોડી હોય છે. ~ જિજ્ઞા મહેતા

વિશ્વાસનું વહાણ ને શંકાની સોય ~ લતા હિરાણી  કાવ્યસેતુ 451 > દિવ્ય ભાસ્કર > 22.8.23

વિશ્વાસ, ભરોસો, એતબાર… જીવનના આ કેટલા મહત્વના અંગ ? કોઇની સાથે જોડાવામાં સૌ પ્રથમ આ બાબત આવે. ‘મારી પર ભરોસો નથી?’ પ્રિયાને પૂછતો યુવાન નજર સામે આવે. અને આનો જવાબ આપવાને બદલે હાથમાં હાથ પરોવી, આંખો મીંચી ચાલી નીકળતી છોકરી પણ! અહીં હાથ પરોવવાની વાત સામાન્ય છે. યૌવન સહજ આવેગ છે. મુદ્દો આંખ મીંચવાનો છે. મીંચેલી આંખે પ્રેમ થાય પણ મીંચેલી આંખે નિર્ણયો અને એય જિંદગી જોડાવા જેવા મહત્વના નિર્ણયો ન લેવાય; એ તો રોજના છાપાં પોકારી પોકારીને કહે છે. આવા નિર્ણયોના પરિણામ આપણી સામે છે ! અને છતાંય આ આવેશ, આ આવેગ રોક્યો રોકાતો નથી એ હકીકત છે. કેમ કે સાથે જીવવાનું શરૂ થાય પછી અનેક પ્રશ્નોની હારમાળા એક પછી એક જન્મ્યા કરે છે અને સાથે શંકાની ગાંઠ પણ ખૂલે છે… શ્વાસોમાં વધારે ગૂંચવાડા પરોવાતા જાય છે…

આમ તો ગઝલના બધા જ શેર સ્વતંત્ર હોય છે છતાં ત્રીજો શેર પ્રથમ શેરની સાથે સાંકળી શકાય. ઝરણા જેવી છોકરી નદી બનવા ભાગે છે અને સમંદર બનવાની એની ખ્વાહિશ હોય છે. કવિએ આ શેરને અંતે પ્રશ્નાર્થ મૂક્યો છે. પણ એને પૂર્ણવિરામ પણ ગણી શકાય. ઇરાદો તો નેક હોય છે, એમ માનીએ. સમય અને સંજોગો એને ક્યાં અને કેમ ફંટાવી દે છે, કોણ જાણે ! દરિયાની ખારાશ શ્વાસોમાં ભરાઈ જાય એવું અકસર બનતું હોય છે. ખારાશ ભરાય ત્યાં સુધી તો ચાલે કેમ કે જીવન મીઠા સરોવર જેવું કોને મળે છે ? પણ જ્યાં પાયામાં જ બનાવટ ભરી હોય ત્યાં ? ચેતવાનું છે કે કટકા થઈને કોથળામાં ન પુરાવું પડે ! 

‘છલોછલ વાદળાંને ક્યાં લગી રાખે ભરી, વરસવાની ગરજ એનેય થોડી હોય છે.’ આ શેર પણ સરસ થયો છે. માનવી વરસાદને ઝંખે છે પરંતુ આકાશનેય વરસવાની ગરજ તો હોય છે. એક છે તો બીજાનું મહત્વ છે. જો કોઈ રાહ જોનારું જ ન હોય તો વરસવાની શી મજા ? હૈયું પ્રેમથી ભર્યું હોય પણ સામે તરસ તો હોવી જોઈએ! એ જ વરસવાનું સાર્થક્ય !

કવિ કહે છે, ‘બધા કાંઠાની કિંમત, સાવ કોડી હોય છે’ ખરું છે. સુંદરતા, આનંદ જે યાત્રામાં હોય છે એ મંઝિલમાં નથી હોતા. અલબત્ત મરજીવાઓ મોતી શોધી લાવે છે એ જુદી વાત છે કેમ કે મરજીવાઓ વિરલ હોય છે. બાકી સામાન્ય માનવીનું જીવન માપમાં રહેવામાં, માપમાં રહેતા શીખવામાં પૂરું થાય છે. પડકારોને સમજવામાં, પારખવામાં અને એની સાથે લડવામાં પૂરું થાય છે. કવિ અશરફ ડબાવાલાની પંક્તિઓ યાદ કરીએ

આ બધા મોઘમ ઈશારા ને વિનવણી વ્યર્થ છે
તું સમયને રોકડું પરખાવ તો સાચો કહું.

સર્વ ત્યાગીને હિમાલય પર જવાનું છે સરળ
રોજનાં મેદાનમાં જો આવ તો સાચો કહું. – અશરફ ડબાવાલા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

46 thoughts on “કાવ્યસેતુ 451 : જિજ્ઞા મહેતા ~ ભરોસો પાર કરવા * Jigna Maheta”

  1. Parbatkumar nayi

    વાહ
    પૂર્તિમાં આજે સવારે જ વાંચ્યું
    શુભેચ્છાઓ

    1. Snehal Nimavat

      વાહ ખૂબ સરસ જીજ્ઞાબેન.👌🏻👏🏻👌🏻લતાબેને સરસ આસ્વાદ કરાવ્યો.👌🏻👏🏻👌🏻👌🏻

  2. હરીશ દાસાણી.મુંબઈ

    જિજ્ઞા મહેતાની સચોટ ગઝલનો રસપ્રદ આસ્વાદલેખ

  3. હિમલ પંડ્યા

    ખૂબ સુંદર. અભિનંદન અને શુભભાવનાઓ

  4. ખુબ સરસ કાવ્ય જિજ્ઞાબેન.
    સરસ પ્રસ્તુતિ

  5. અરવિંદ બારોટ

    સરસ રચના છે. એવો જ રસાળ આસ્વાદ છે.
    પ્રસન્નતા

  6. Arvind Barot

    સરસ રચના છે. એવો જ રસાળ આસ્વાદ છે.
    પ્રસન્નતા

  7. Bhartiya Prajapati

    સરસ ગઝલ માટે જીજ્ઞાબહેનને અને એનો ઉત્તમ આસ્વાદ કરાવવા બદલ લતાબહેનને ખૂબ ખૂબ અભિનંદન!

  8. Shri Babulal K Chavda

    સરસ ગઝલ….સુંદર આસ્વાદ. અભિનંદન…

  9. મજાની ગઝલ અને એટલો જ મજાનો આસ્વાદ. અભિનંદન.

  10. મંગલપંથી

    વાહ…સરસ ગઝલ અને એટલો જ મજાનો આસ્વાદ. અભિનંદન.

  11. આનંદ વસાવા

    સહજ સરળ છતાં આકર્ષક અભિવ્યક્તિ

Scroll to Top