KS સોનલ પરીખ ~ ટીપું થઈને  

ટીપું થઇને

ટીપું થઇને મળતો તું, હું એમાં આભ નિતારું
વાદળની નાભિની વચ્ચે, ઝીણાં ઝાકળ ઠારું

અંગત અંગત વિશ્વાસો, નિશ્વાસો અંગત અંગત
અંગત દિવસો અંગત રાતો, શ્વાસો અંગત અંગત
એક જગત મારું, એક તારું, એક નીડ સહિયારું….

નભની નીચે દરિયો એના તળિયે ઊભા પ્હાડ
કાંઠે રાતી કૂંપળ એમાં લીલાં ઝૂલે ઝાડ
મધરાતે ઊગતો સૂરજ, મઝધારે ખૂલતું બારું.

~ સોનલ પરીખ

હમ કહાં… તુમ કહાં…. ~ લતા હિરાણી દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 455 > 3.10.23

કવિ સોનલ પરીખની આ કવિતાનું શિર્ષક છે ‘હું અને તું’. વાત દામ્પત્યની લાગે છે. સુખ અને દુખ, આશા અને નિરાશા, પ્રેમ અને નિસાસાના તાણાવાણા આ કાવ્યમાં એટલી નાજુક રીતે વણાયેલા છે કે ઉપરછલ્લી રીતે સુખી દેખાતા મોટાભાગના દંપતિઓની આવી મિશ્ર સંવેદનાની અનુભૂતિની રજુઆતને વધાવવી પડે ..

શિર્ષક જ બતાવે છે કે વાત નાયક નાયિકાની છે. એ પતિ-પત્ની હોય કે પ્રેમી-પ્રેમિકા પણ હોઈ શકે. કવિતાની નિસ્બત એમાં વ્યક્ત થતી લાગણીની ઊંડાઇ સાથે છે. નાયકનું મળવાનું કે પછી એની લાગણી નાયિકાને કેટલી ઓછી પડે છે અને તોય એ એમાં દરિયો માનીને સંતુષ્ટ રહેવા પ્રયાસ તો કરે જ છે. બહુ ઓછું પડે છે, બહુ અધૂરું લાગે છે પણ એને સુખ માનીને ચાલવાનો કોઇ વિકલ્પ નથી…

મનમાં ને મનમાં વિશ્વાસના દોરને સાંધી રાખવાનો છે ને એમ જ નિશ્વાસો પણ સમાવી લેવાના છે. આ પંક્તિઓ કદાચ એમ સૂચવવા માગે છે કે બધી જ લાગણીઓ છે, સાથ છે પણ કંઈ સહિયારું નથી. એનો સ્પષ્ટ નિર્દેશ પછીની પંક્તિઓ બતાવે છે. ‘અંગત દિવસો અંગત રાતો….’ મારું એક જગત છે ને તારું અલગ. નીડ ભલે સહિયારો હોય પણ ત્યાં એથી વિશેષ કંઈ જ સહિયારું નથી. એક છત નીચે રહેતા અલગ અલગ પ્રાણ…

આ જ ભાવ આગળ વધે છે. આકાશ નીચે દરિયો તો છે પણ એના તળિયે પહાડો ઊભા છે. ઉપરથી એક ઊછળતો દરિયો  લાગે છે પણ નીચેના પહાડ કોને દેખાય છે? એ મતભેદોના છે, મનભેદોના છે. એ વાગે છે, ક્યારેક લોહીલુહાણ કરી મૂકે છે. જુઓ, પહાડ શબ્દ બહુ મહત્વનો છે. અર્થાત વાત નાનીસૂની નથી. લોકોને તો એના કાંઠાની રાતી કૂંપળ કે લીલાં ઝાડ દેખાય… અંદરનું કોઈ નથી જાણતું. સંતાપ ઊગે છે, પજવે છે ને પીડે છે મધરાતે ને મઝધારે રસ્તો શોધવાનો નિષ્ફળ પ્રયાસ… અહીંયા મધરાત કે મઝધાર એ શરીરસંબંધની મજબૂરીના પ્રતીક પણ હોઈ શકે. આ જીવનની વાસ્તવિકતા છે !! મોટાભાગના દામ્પત્ય  જીવનની સચ્ચાઇ છે.

લગ્ન પછી થોડાંક વર્ષો સુધી ઊછળતી રહેલી પ્રેમની ભરતીમાં ઓટ આવે છે અને સંબંધનું સૂક્કાપણું ખાસ કરીને સ્ત્રીને વધારે કનડે છે. અલબત્ત્ત આ બંને પક્ષે હોઇ શકે પણ સ્ત્રી વધારે સંવેદનશીલ હોઇ એના માટે આ સ્વીકારવું જરા અઘરું થઇ પડે છે. જો કે એની પાસે પછી ફરિયાદ કરવાના શબ્દોય નથી રહેતા. ઘર, બાળક અને વ્યવસાય હોય તો એ – બસ એ એમાં પરોવાયેલી રહી શકે છે પણ અંદર અંદર આવી કંઇક પીડા એનામાં જાગ્યા કરે છે, એનું કવિએ ખૂબ સરસ નિરૂપણ કર્યું છે. એક સ્નેહ ઝંખતી સ્ત્રીની મનોવ્યથાને આબાદ રીતે કંડારી છે અને જોવાની વાત એ છે કે પીડાની સાથે પોતાના મનને એ જે સમાધાન આપી દે છે એ પણ બતાવ્યું છે. કોઇ આક્રોશ નહીં, કોઇ વિદ્રોહ નહીં, આમ જુઓ તો ફરિયાદ પણ નહીં, બસ જે છે એનું નિરૂપણ… પરિસ્થિતિની વિડંબના અને એનો સ્વીકાર પણ… 

કવિ અશોક ચાવડાની પંક્તિઓ યાદ કરીએ,

ફરીથી હવે ન બનશે ઘર, પાંચમી ભીંત તેં ચણી વચ્ચે

કેમ જીતી શકાય કોઇ જંગ ? છે અબોલા જ છાવણી વચ્ચે …

~ અશોક ચાવડા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “KS સોનલ પરીખ ~ ટીપું થઈને  ”

Scroll to Top