સુરેશ દલાલ ~ એક ભૂરા આકાશની & એક પાનખરના ઝાડને * Suresh Dalal

મને ડાળખીને

એક ભૂરા આકાશની આશા ફૂટી
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી.

ચાંદનીના ખોળામાં સૂરજનો તડકો
ને ફૂલની હથેળીમાં તારો;
સાગરના સ્કંધ ઉપર પારેવું થઈ
ઘૂઘવે પવન : વણજારો.

જાણે માછલીને જળની પિપાસા ફૂટી
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી.

ખીલતી આ કળીઓની કુંવારી કૂખમાં
પોઢ્યાં પતંગિયાનાં ફૂલ;
આંખો જુએ તેને હૈયું ને હોઠ કહે:
અમને તો બધ્ધું કબૂલ.

મારી સઘળી દિશાને તલાશા ફૂટી
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી.

~ સુરેશ દલાલ

સપનાં વસંતના

એક પાનખરના ઝાડને આવે
આવે છે રોજ સપનાં વસંતના
ક્યારે મારી ડાળીએ ખીલે
ખિલખિલ ફૂલો સુગંધનાં

આજે ભલે ડાળીઓ સુક્કી
પણ કાલ એમાં વહેશે ધબકાર લીલોછમ;
આજ ભલે જાઉં હું ઝૂકી
વિધાતાની સામે : તોયે મને એનો નહીં ગમ.
એક એવી આવશે મોસમ :
કે ગીત મને મળશે કોયલના કંઠના.

માણસ પોતાનાં પોપચાં પંપાળે
એમ વ્હેતી હવા મને પંપાળી રહે
કોની આ માયા છે એ તો હું જાણું નહીં
પણ કોઇ મને કાનમાં વાતો સુંવાળી કહે
બિલોરી કાચ જેવા હૈયામાં એક દિવસ
મઘમઘ થઇ મ્હેકશે સપનાં અનંતના.

~ સુરેશ દલાલ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “સુરેશ દલાલ ~ એક ભૂરા આકાશની & એક પાનખરના ઝાડને * Suresh Dalal”

Scroll to Top