હર્ષા દવે ~ શિખર  ઉપર દીવો & પૂછે છે  સૂર્યને કે * Harsha Dave

ઘણી ખમ્મા!

શિખર  ઉપર દીવો પ્રગટાવનારાને  ઘણી ખમ્મા!
તળેટીનો  ખૂણો  અજવાળનારાને  ઘણી ખમ્મા!

હલેસા  મારવાનાં   જોમથી  વાકેફ  થવાયું   છે,
મને  મઝધારમાં  છોડી  જનારાને  ઘણી  ખમ્મા!

પગરખાં  પહેરવા મળતા  નથી – સંજોગવશ જેને,
બધાં  એ  સ્થિર  ડગલાં  માંડનારાને  ઘણી ખમ્મા!

છતાં   કઠપૂતળીને   લાગતું   કે   મુક્ત   છે   પોતે,
ચીવટથી   એમ  દોરી   બાંધનારાને  ઘણી  ખમ્મા!

હતો   વાકેફ  તો  મારી   થનારી  હારથી  એ પણ,
અહો!  છેવટ  સુધી  પડકારનારાને   ઘણી ખમ્મા!

~ હર્ષા દવે

ખુલાસા નથી મંગાતા, ખબરદારની હાકલ નથી કરાતી પણ સતત કસોટી કરનારને કહેવાય છે, બસ ‘ઘણી ખમ્મા’ !! વાહ

ઝાંખી છે?

પૂછે છે  સૂર્યને કે  રોશની  શું કામ ઝાંખી છે?
ઘુવડને કોણ સમજાવે કે તારી આંખ કાચી છે!

ઘણા આશ્ચર્ય ને સ્ફોટક રહસ્યોથી ભરેલી છે,
મને લાગી રહ્યું છે કે  ક્ષણો  ઊડતી  રકાબી છે.

કપાયું  ઝાડ  ત્યારે  કેટલાં  પંખી  થયાં  બેઘર,
તમે અખબારમાં ક્યારેય એવી વાત વાંચી છે?

કરચ એ કાચની થોડીઘણી ઊડશે તમોને  પણ,
બીજાના  કાચઘર  સામે તમે  બંધૂક  તાકી  છે.

તમે  આ  શ્વેત લટને  રંગવા જે  હાથમાં લીધી,
તમારી એ પીઁછી કરતાં  સમયની દોટ પાકી છે.

 ~  હર્ષા દવે

‘મને લાગી રહ્યું છે કે  ક્ષણો  ઊડતી  રકાબી છે’ સરસ કલ્પન !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “હર્ષા દવે ~ શિખર  ઉપર દીવો & પૂછે છે  સૂર્યને કે * Harsha Dave”

  1. હરીશ દાસાણી

    બંને ગઝલો માટે દાદ દેવા જેવી

  2. ઉમેશ જોષી

    હર્ષાબેનની બન્ને ગઝલ સંવેદનશીલ છે.
    અભિનંદન.

  3. Kirtichandra Shah

    ચીવટથી દોરી બાંધનાર ને ઘણી ખમ્મા, તમારી pinchi કરતાં સમય ની દોટ….બને રચનાઓ lalitya ભરેલી અને ગહન છે

Scroll to Top