આજ
આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
પમરતી પાથરી દે પથારી.
આજ ઓ પારથી ગંધને લાવતી
દિવ્ય કો સિંધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીંથી
મ્હેંકતી આવતી શી સુગંધી !
ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
મઘમઘાટે નિશા આજ ભારી ?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે :
ક્યાં થકી સૂર કેરી ફૂવારી ?
હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે હતું
હરિણ શું, તે મળ્યો આજ સૂર ?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
આવિયો તે થઈ સુરભિ-પૂર ?
~ પ્રહલાદ પારેખ (12.10.1912 – 2.1.1962)
કવિના જન્મદિને સ્મૃતિવંદના
(કાવ્ય સંગ્રહ: ‘સરવાણી’, ‘બારી બહાર’. બાળકાવ્યસંગ્રહ: ‘તનમનિયાં’)
એક છોરી
એક છોરી
કોરી ગઈ અંતર માંહી દેરી :
આંખો તણાં બે નિજ ટાંકણાથી,
ને હાસ્ય કેરી લઘુ લૈ હથોડી,
કોરી ગઈ અંતર માંહી દેરી
એ એક છોરી.
બની ગઈ દેવ સ્વયં પધારી
ત્યાં ઘંટડી કંઠ તણી બજાવી;
ને બોલ એના પ્રગટી ઉઠે છે
દીવા બનીને.
અંગાંગમાં પુષ્પ અનેક ફૂટતાં
પળેપળે, ને સહુ એ ખરી જતાં
દેરી મહીં; સૌરભ છાઈ ત્યાં જતી
કોઈ અનેરી.
ને ઊડતી જે લટ કેશ કેરી,
એ ધૂપની સેર સમી જણાતી !
માન્યું હતું, પથ્થર શું બન્યું છે
હૈયું હવે, – કોઈ પ્રવેશ પામી
શકે નહીં ત્યાં !
પણ એક છોરી
આવી, અને અંતર કોરી કોરી,
દેરી બનાવી,
બની ગઈ દેવ સ્વયં પધારી !
~ પ્રહલાદ પારેખ

સ્મરણ વંદના ્્
વાહ, બંને ગીત શબ્દ રચના અદ્ભૂત છે, સરસ ભાવવિષ્વ ખડું થયું છે.
ખુબ સરસ બન્ને રચનાઓ ખુબ ખુબ અભિનંદન
બંને કાવ્યો સરસ છે. વંદના.