
નામ રણનું ભલે નદી રાખો
નામ રણનું ભલે નદી રાખો
નહિ છીપાવે તરસ, લખી રાખો.
જાતને આયનો બનાવીને
જાતની સામે બે ઘડી રાખો.
આંસુઓ શાયરીને આપી દ્યો,
આંખમાં ફક્ત શાયરી રાખો.
એની મરજી એ આવે ના આવે
આપણે બોર તો વીણી રાખો.
~ ધાર્મિક કોટક ‘ગોપાલ’
દમદાર નવા કવિઓમાંના એક. આંસુઓ શાયરીને આપી દ્યો, આંખોમાં ફક્ત શાયરી રાખો ! ક્યા બાત કવિ !
ખીણના સૌંદર્યને
ખીણના સૌંદર્યને પામી જવું,
એટલે કે દોસ્ત પડઘો થઈ જવું.
અર્થ એવો પણ નશાનો થાય નહીં,
જે મળે માદક એ સઘળું પી જવું.
જીવવું એ તો સજીવી ધર્મ છે,
માનવીનું કર્મ છે જીવી જવું.
નામથી જો માત્ર તરવું હોય તો,
છે જરૂરી નામમાં ડૂબી જવું.
સુખ અને દુઃખ તો કથાનક કાળના
મૂળ તો એની કથા વીતી જવું.
~ ધાર્મિક કોટક ‘ગોપાલ’
પ્રથમ શેરથી જ ગઝલ સીધી ઊંચકાય છે….
બધા જ શેર સુંદર …. અને ચોથો શેર વધુ ગમ્યો…

મિત્ર કવિ ‘ગોપાલ’ ની બંને ગઝલો ખૂબ જ સરસ. અભિનંદન.
કવિ શ્રી ની રચનાઓ ખુબ માણવા લાયક ખુબ ગમી