
ગઝલ
પેટ હતું તો ઝબ્બે થઈ ગ્યું, રાત હતી તો પડી,
ઊંઘ હતી તો આવી ગઈ ને ફૂટપાથોને જડી.
હાથ હતા તો ભાર ઊંચક્યો, શ્વાસ હતા તો હાંફ્યા,
બીજે તો ક્યાં જઈને કાઢે દાઝ હતી તો દાઝ્યા.
લગન હતાં તો થયાં લગન, હતાં પોરિયાં આયાં,
પેટ હતું તો મળ્યું એમને હાથ હતા તો લાયા.
હોઠ હતા તો ગાળ હતી, કાન હતા તો લીધી,
હતો રૂપિયો મળી યેવલા*, આગ હતી તો પીધી.
લોહી હતું તો ગયું સુકાઈ, હતાં હાડકાં થાક્યાં,
ભીડ હતી તો ભેગી થઇ ગઈ, હતા ખભા તો આપ્યા.
~ સૌમ્ય જોશી
*યેવલા : બીડીની એક બ્રાન્ડ

કવિ શ્રી સૌમ્યજીની સુંદર ગઝલાભિવ્યક્તિ.
ખુબ સરસ ગઝલ ખુબ ગમી
ખુબ સરસ ગઝલ ખુબ ગમી