તોફાન
મારા શૈશવના સ્મશાનમાં
પોઢી ગયેલી ક્ષણોને
પુનર્જન્મ આપો તો …
દરિયાની ભીંસમાં ચગદાયેલા આ શહેરને
મારા ગામની નદીથી નવડાવી દઉં,
સમુદ્રતટ્નાં આ તોતિંગ મકાનો પર
નદી ઉપરનો હિરણ્યગર્ભ વૃક્ષોનાં
હરિયાળા તોરણો બાંધી દઉં
અને
ગાડા નીચેના શ્વાન જેવાં
જનસમુદાયને,
મારા ફળિયાના રાજા
-ઓલા લાલિયા કૂતરા
જેવી રાડ પાડતાંય શીખવી દઉં.
કલ્લોલથી કલબલ કરતી
મારા શૈશવની એ ક્ષણોના
પુનર્જન્મને આવકારવા
ફાઉંટેનનાં સુકાયેલા ફુવારામાં
એક એવું તો ધનંજયી બાણ મારી દઉં
કે
અસહાય બનીને
ભરસભામાં દ્રૌપદીનાં વસ્ત્રાહરણના
મૂક સાક્ષી બની રહેલા
ભીષ્મ પિતામહની નીંદરઘેરી આંખો
ઊના એ પાણીની છાલકથી
સદાયને માટે
ખૂલી જાય, ખૂલી જાય, ખૂલી જાય.
~ મેઘનાદ ભટ્ટ 24.10.1936 – 22.4.1997
૧૯૮૦માં પ્રકટ થયેલા કાવ્યસંગ્રહ ‘છીપલાં’માં આ કવિ કહે છે: ‘કવિતા મારે માટે જીવનનું એક ‘કમિટમેન્ટ’, પ્રતિજ્ઞાકર્મ છે, રહેશે. મેઘનાદની કવિતા વલોવી નાખે, અસ્વસ્થ કરી મૂકે એવી છે. કવિતા અને વિષાદ એના લોહીમાં છે. બીજો સંગ્રહ ‘મલાજો’. ૧૯૮૮માં પ્રકટ થયો. ~ સુરેશ દલાલ

વાહ, ભાવવિષ્વ ક્યાં થી ક્યાં ખેંચી જાય છે.