એક ચિત્ર
ટીંબાની ટોચે ઊગેલું ઊંધા અધખૂલા પુસ્તકના જેવું ઘર…
ને ઘ૨ખૂણાને અજવાળે તો કોડિયું ધીમું ટમટમતું
ને ઘરનાં નળિયાં નીતરે એવી નેવાની ધારે
નીતરતું ઝમઝમ વરસે ચોમાસું એ નભનાં આંસુ.
નાનકડી નદી ચોમાસામાં
પહેલવારકી ગર્ભવતી નાજુક કન્યાશી તસતસ વહેતી,
ભેટવાનું મન્ન થાય એવું કંઈ કહેતી.
ભીતર ઊછળતા ગરભ સમાણી લહરો ઊછળે,
લહરો લહરો ભેગી થઈ મોજાં મોજાં ઊછળે…
કુંવડીઆનું વન કિનારે આ ડૂબે
ને તે કિનારે ભેખડ ઊંડી ઊંડી આખી જાય ડૂબી
ને હાલક-ડોલક નાવડું નાચે મોજા માફક
ઝાડ ડૂબેલાં માથા કહાડી ઊંચું ભાળે પાણી મહીંથી
ને નાવડી નાળિયેરના કાળા કાળા ઢગ ભરીને
આ પા તે પા કરે આવજા
આંખોમાં છે ટીંબો, ઘર, નેવાં
ને નળિયાં નીતરતું ચોમાસું આખું
ખળખળ વહેતા વહેળા મારી રગમાં વહેતા
તોફાની જળમાંની તરતી નાવ હજુ
ચકરાવ ચડાવી માથું મારું ગોળ ઘુમાવે.
ઉનાળે સુક્કીભઠ્ઠ સરિતા આંખમાં મારી
જાય વહેતી બારે માસે
હું જ વરસતું ચોમાસું છું…
~ સુશીલા ઝવેરી 3.11.1920
જન્મ બારડોલી તાલુકામાં આવેલા વાલોડ કસબામાં. ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ. ચરોતરી બોલીમાં પણ કાવ્યો લખ્યાં છે.
કાવ્યસંગ્રહો : 1. વીચિમાલા 2. અનાહત 3. કૈરવવન 4. ક્ષણોનું આલબમ

ખૂબ જ સરસ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય ભાવ રજૂ થયો છે.
ખુબ સરસ કાવ્ય
સારું મુક્ત પદ્ય