હાટો જુદી કરી ને હટાણાં જુદાં કર્યાં,
એકેક વીણી વીણી ઘરાણાં જુદાં કર્યાં
જોવાનું દૃશ્ય જ્યારે વહેંચી શક્યાં નહીં,
ત્યારે બધાએ ભીંતમાં કાણાં જુદા કર્યાં
જીવતર પછેડી જેને બધાં ઓઢતાં હતાં,
તેના બધાય તાણા ને વાણા જુદા કર્યાં.
ભેગાં મળીને જેના ઉપર ઘર ચણ્યું હતું,
પાયાઓ ખોદી ખોદી તે પાણા જુદા કર્યાં.
અવકાશમાં ધુમાડો બધો એક થૈ રહ્યો,
ધરતી ઉપર ભલે તમે છાણાં જુદા કર્યાં.
ખેતરમાં સૌએ સાથે મળી ખેડ તો કરી,
જ્યારે ફસલ લણાઇ તો દાણા જુદા કર્યાં.…
~ આદિલ મન્સૂરી
કવિની પૂણ્યસ્મૃતિએ વંદન.

ખુબજ સરસ રચના કવિ શ્રી ની ચેતના ને પ્રણામ
સકળ શે’ર હ્રદયગમ્ય.
વિભક્ત થવાની વેદના કવિની સાથે ભાવકનેય કોરી ખાય છે.
સ્મૃતિ વંદન