રમેશ પારેખ ~ ફૂલ * Ramesh Parekh

🌹ગજરો🌹

🌹
ફૂલ તો  વૃક્ષે પેટાવેલા દીવા છે
એ જોવા કે
સુગંધમાં ડૂબકી મારે એવા
કોણ મરજીવા છે !

🌹
ફૂલ કરશે કેટલો સ્વીકાર એનો
શી ખબર ?
જીવનો ખોબો અમે
અર્પણ કરીએ છીએ આઠે પ્રહર…

🌹
જે ખૂણે
ફૂલો વિનાનું પડ્યું હોય ફ્લાવરવાઝ
તે ખૂણો જ
ઘરનો સૌથી વધુ સુશોભિત હિસ્સો હોય છે !

🌹
ફૂલો તો છે
ગોદડી સાંધવા માટે
સોયમાં દોરો પરોવવા મથતી
ઝાંખુડી નજરવાળી
વૃદ્ધ મા જેવાં.
એને પરોવવો હોય છે
મનુષ્યમાં એક ધાગો
ને સાંધવી હોય છે
મનુષ્યની આંખોને
જે બોમ્બ ફૂટ્યા પછી ફાટી ને ફાટી રહી ગઈ છે
પરંતુ
વૃદ્ધ માની સોયમાં દોરો પરોવી આપે કોણ ?….

~ રમેશ પારેખ

🌹સૌ કાવ્યપ્રેમી મિત્રોને નવા વર્ષની ખોબલો ભરીને શુભકામનાઓ🌹

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top