
લોહીનો રંગ લાલ
લોહીનો રંગ લાલ
પછી તે વાઘનું હોય કે વાંદરાનું
હડકાયા કૂતરાનું હોય કે માણસનું
સરવાળે જાણે બધું એક
રૂના પોલ જેવાં વાદળો
ઊડીને ઉપર જાઓ
તો જાણે બધું એક
કયું ભારત અને કયું પાકિસ્તાન!
કયું કોસોવો ને કયું પેલેસ્ટાઈન!
હૃદય ધબકે
મારું તારું ને એનું પણ
ને જ્યારે અટકે ત્યારે પાણી પાણીમાં,
તેજ તેજમાં વાયુ વાયુમાં,
માટી માટીમાં
સરવાળે બધું જાણે એક
તો પછી ઝઘડા શેના?
નામ, રૂપ ને રંગના
બદલાતી બોલીના?
જાતે જ પાડેલી લીટીના?
~ વર્ષા દાસ
વહેલી સવારે
વૃક્ષ પરથી ખરે
એક-એક-એક પારિજાત
જાણે ત્યજ્યાં
તમામ વળગણ
કેસરી દાંડીએ
મઘમઘતો મોહ !
~ વર્ષા દાસ

બન્ને રચનાઓ ખુબ ગમી જન્મદિવસ ની શુભ કામના
સરસ સામ્પ્રત સંવેદનાની રચના. શુભેચ્છાઓ.
છેવટ હેમનુ હેમ…. બન્ને કૃતિ સરસ… ગમી..