નીતિન વડગામા ~ કોઈ અહીં & લીલીછમ્મ લાગણીને * Nitin Vadgama

કોઈ અહીં આવે છે મળવા

કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા,
કોઈ આવતું એમ જ બસ, આખેઆખા ઓગળવા.

કોઈ આવતાવેંત પંડના કૈંક પટારા ખોલે.
કોઈ મૌનનો માળો બાંધે, એક શબદ ના બોલે.
કોઈ થીજેલો શ્વાસ મથે છે અંદરથી ખળભળવા.
કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા.

કોઈ કશું અંકે કરવા આવી પાથરતા ખોળો.
કોઈ અરજ કરતા કે ભીની આંખોમાં ઝબકોળો.
કોઈ બેસતું આવીને કંઈ દુઃખનાં દળણાં દળવા.
કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા.

કોઈ આરતીની ઝાલરનો સાદ સાંભળે ઝીણો.
કોઈ અભાગી જીવને અમથો અમથો ચડતો મીણો!
કોઈ ઊગવા આવે, કોઈ આવે છે ઊઘડવા.
કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા.

~ નીતિન વડગામા

ચિંતનથી ભરેલું ગીત.

કેવા કેવા પ્રકારના માનવીઓ હોય છે એનું જાણે આખું શબ્દચિત્ર કવિએ આપી દીધું છે. વળી આ ચિત્ર હૃદયસ્પર્શી બન્યું છે. ક્યાંક ભાવ છલકાય છે તો ક્યાંક અભાવ આંખે વળગે છે. ઊગવા કે ઊઘડવા જન્મારો ધારણ કરેલા મનુષ્યોને પણ કવિએ ઝીણી આંખે પામ્યા છે…કેવું સરસ!  

લીલ્લીછમ લાગણીને

લીલ્લીછમ લાગણીને આપજો ન કોઈ હવે,
સુક્કા સમ્બન્ધ કેરું નામ.

મ્હોરતાં ફોરતાંને પળમાં ઓસરતાં આ
શબનમ જેવો છે સમ્બન્ધ,
સમણું બનીને ચાલ્યા જાવ તોય યાદનાં
આંસુ તો રહેશે અકબંધ.
પ્રીત્યું તો હોય સખી એવી અણમૂલ એનાં
કેમ કરી ચૂકવવાં દામ?

સગપણના મારગમાં ઊગ્યા તે હોય ભલે
આજકાલ હાથલિયા થોર,
આંખોના કાજળને દૂર કરી દેખીએ તો
અમને એ લાગે ગુલમ્હોર.
અચરજ એવું કે સખી ભૂલી બેઠી હું પછી
મારુંયે સાવ નામ-ઠામ.

~ નીતિન વડગામા

આજે કવિનો જન્મદિન...

આવા જ અચરજભર્યા અને લાગણીથી લીલાછમ્મ ગીતો આપતા રહો એ જ શુભકામનાઓ..  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “નીતિન વડગામા ~ કોઈ અહીં & લીલીછમ્મ લાગણીને * Nitin Vadgama”

  1. વાહ સરસ ગીતો..
    કવિશ્રી નીતિન વડગામાને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ 🎂🎈

  2. સહજ સહજ લખાયેલાં ગીતો આસ્વાદ્ય બન્યાં છે.અભિનંદન.

Scroll to Top