
શાને આવ્યું સપનું
શાને આવ્યું સપનું, મારી આંખે છાનુછપનું,
ઝબકીને જાગી હું, દીઠું, નામ નહીં વ્હાલપનું
મુજને શાને આવ્યું સપનું ..!
રાતે આવ્યું ઓશિકે હળવે મુજને પંપાળી,
અધખુલ્લી આંખો મારી એની આગોશે ઢાળી,
કાજળ સરખું રેલાયું એ હાલરડું ના ખપનું,
મુજને શાને આવ્યું સપનું ..!
નદીયું કેરા નીર સમા એ વ્હેણની સંગે વ્હેતી,
આછેરી છાલકથી મારા કાન મહીં કૈં કહેતી,
સુણીયું ના મેં ક્હેણ હવાનું શું કરવું એ તપનું,
મુજને શાને આવ્યું સપનું ..!
મેઘધનુષના રંગે મારી કાયાને રંગી મેં,
મધરાતે હાલી નીકળી હું ઉંબર ઓળંગીને,
પૂનમના અજવાસે મળીયું સરનામું ઝુરપનું,
મુજને શાને આવ્યું સપનું…
~ નિશા હેમલ નાણાવટી ‘નિશી’
મજાનું ગીત
નામ એનું હું લખું
નામ એનું હું લખું ઝાકળ ઉપર
ઝંખનાને ચીતરું કાગળ ઉપર
સાવ સૂક્કા જળમાં મૂકી નાવ મેં
લો, તરી, શું વીતશે સાગર ઉપર
વેદનાની ગીચતા વધતી રહી
એ પછી એ વિસ્તરી પાંપણ ઉપર
મ્યાનમાંથી હાથ લાગી છે કલમ
કોણ જાણે શું થશે આગળ ઉપર
ના જ ઉકલી આંખની લિપિ તને
એટલે ગઝલો લખી કાગળ ઉપર
~ નિશા હેમલ નાણાવટી ‘નિશી‘
…………………

બન્ને રચનાઓ ખુબ સરસ ખુબ ગમી
ગીત ગમ્યું. બંને રચનાઓ મજાની. અભિનંદન.