શૂન્ય પાલનપુરી ~ તોફાનને સમર્પી & દુખમાં જીવનની * Shunya Palanpuri  

ક્ષમા કરી દે !

તોફાનને સમર્પી, અણછાજતી મહત્તા,
તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે !
હોડીનું એક રમકડું તુટ્યું તો થઇ ગયું શું ?
મોજાંની બાળહઠ છે, સાગર ! ક્ષમા કરી દે !

હર શ્વાસ એક મુસીબત, હર શ્વાસ એક વિમાસણ,
પળપળની યાતનાઓ, પળપળની વેદનાઓ !
તારું દીધેલ જીવન, મૃત્યુ સમું ગણું તો,
મારી એ ધૃષ્ટતાને ઇશ્વર, ક્ષમા કરી દે !

કાંટાઓનું બિછાવી બિસ્તર કહે છે દુનિયા,
પોઢી જા હસતાં હસતાં ફૂલોની સેજ માની;
અર્થાત જુલ્મીઓના જુલ્મોના ઘાવ સહેવા,
પહેરી ઉદારતાનું બખ્તર, ક્ષમા કરી દે !

કાંટો છે લાગણીનો, વજનો છે બુધ્ધિ કેરાં,
તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ;
હે મિત્ર ! તારા દિલનો પણ તોલ મેં કર્યો છે,
આવે છે એની તોલે પથ્થર, ક્ષમા કરી દે !

તું એક છે અને હું એક ‘શૂન્ય’ છું પરંતુ,
મારા જ સ્થાન પર છે નિશ્ચિત જગતનાં મૂલ્યો;
એથી જ ઓ ગુમાની ! જો હું કહું કે તું પણ
મારી દયા ઉપર છે નિર્ભર, ક્ષમા કરી દે !

~ શૂન્ય પાલનપુરી

કોણ માનશે?

દુ:ખમાં જીવનની લા’ણ હતી, કોણ માનશે?
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે?

શૈયા મળે છે શૂલની ફૂલોના પ્યારમાં!
ભોળા હ્રદયને જાણ હતી, કોણ માનશે?

લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ મનશે?

ઉપચારકો ગયા અને આરામ થઈ ગયો!
પીડા જ રામબાણ હતી, કોણ માનશે?

આપી ગઈ જે ધાર જમાનાની જીભને,
નિજ કર્મની સરાણ હતી, કોણ માનશે?

જ્યાં જ્યાં ફરુકતી હતી સૌન્દર્યની ધજા,
ત્યાં ત્યાં પ્રણયની આણ હતી, કોણ માનશે?

પાગલના મૌનથી જે કયામત ખડી થઈ,
ડાહ્યાની બુમરાણ હતી, કોણ માનશે?

~શૂન્ય’ પાલનપુરી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “શૂન્ય પાલનપુરી ~ તોફાનને સમર્પી & દુખમાં જીવનની * Shunya Palanpuri  ”

  1. Parbatkumar nayi

    વંદન
    આદરણીય શૂન્ય પાલનપુરીને
    બન્ને મજાની ગઝલો

Scroll to Top