વિનોદ જોશી ~ જળની ઉપર & એ પળ * Vinod Joshi

જળની ઉપર

જળની ઉપર ભભરાવ્યો જ્યાં ઝળઝળિયાંનો ભૂક્કો
તરંગ વચ્ચે તુરંત વહેતો થયો તિલસ્મી તુક્કો

એક ડૂસકું પછી અચાનક પરોઢિયાને મળ્યું
કલરવતા કેસુડા ચીતરી ઉજાગરાને ફળ્યું
સપનાને ફાગણનો વાગ્યો મીઠો મખમલ મુક્કો….

ખરબચડી એકાંત છાકટુ થઈને છલકી ગયું  
અંધારામાં રણઝણતું નવતર અજવાળું થયું
ઢચકારીને ભાંગ હાડમાં ભર્યો ઉપરથી હુક્કો….

~ વિનોદ જોશી

એ પળ હજી

એ પળ હજી ન ભાળી,
હોઈ શકે એ મેઘધનુષી, હોઈ શકે છે કાળી!

વરસોથી બેઠું પગ વાળી વાદળમાં ચોમાસું,
ઊભી ધાર ન ફાવે એને હોય વરસવું ત્રાંસું;
ખરબચડી આખી આવરદા ખોટુકલી પંપાળી!

ઘાસ રાતભર ખમે હવાના હણહણતા હડદોલા,
પછી સવારે ગણે ઝીણકા ઝાકળના ફરફોલા;
ટહુકા જેવું રોજ કશું ચુપચાપ વીણતો માળી!

~ વિનોદ જોશી

અભિનંદન

સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા ભારતીય ભાષાઓમાં પ્રતિવર્ષ અપાતો સર્વશ્રેષ્ઠ સાહિત્યકૃતિનો એવોર્ડ વર્ષ 2023 માટે ગુજરાતી ભાષામાં કવિ વિનોદ જોશીના પ્રબંધકાવ્ય ‘સૈરંધ્રી’ને આપવાનું જાહેર થયું છે. એમની આ વિખ્યાત કૃતિને અગાઉ પણ નર્મદ સુવર્ણચંદ્રક સહિત ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ, ભારતીય વિદ્યાભવનના પારિતોષિકો મળી ચૂક્યા છે.  

આ એવોર્ડ ભારતીય ભાષાઓમાં અપાતો પ્રતિષ્ઠિત એવોર્ડ છે જેમાં રૂપિયા એક લાખની ધનરાશિ ઉપરાન્ત કાસ્કેટ અને શાલનો સમાવેશ થાય છે. આગામી 12મી માર્ચે દિલ્હી ખાતે યોજાનાર એક સમારંભમાં શ્રી વિનોદ જોશીને આ એવોર્ડ અર્પણ કરવામાં આવશે.

ગુજરાતી કવિતાના સર્વશ્રેષ્ઠ ગણાતા નરસિંહ મહેતા એવોર્ડથી તેમ જ ગુજરાત સાહિત્ય અકાદમીના ગૌરવ પુરસ્કારથી તેઓ પુરસ્કૃત થઈ ચૂકેલા છે.  

અનુઆધુનિક કવિતાના યશસ્વી કવિ શ્રી વિનોદ જોશીને અઢળક શુભકામનાઓ અને અભિનંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “વિનોદ જોશી ~ જળની ઉપર & એ પળ * Vinod Joshi”

  1. પ્રીતિ ભાર્ગવ

    કવિશ્રીને અઢળક શુભકામનાઓ અને અભિનંદન

  2. ઉમેશ જોષી

    કવિ વિનોદ જોશીને ખૂબ ખૂબ અભિનંદન.

  3. હરીશ દાસાણી.મુંબઈ

    વિનોદભાઈને અભિનંદન.સહુ ગુજરાતી સાહિત્યરસિકો માટે આનંદનો અવસર.

Scroll to Top