
રાત
ઉદાસી સાંજને ઘેરી વળી ઘેરી થવાની રાત
ફરી પગલાંના ભણકારા ફરી ચોંકી જવાની રાત
પરોઢી સ્વપ્ન થઇને એ કદાચિત આંખમાં આવે
સૂરજને રોકવાની દોટમાં હાંફી જવાની રાત
ફરી યાદોના દરિયામાં ડૂબી ગઇ શ્વાસની નૌકા
સજળ નયનોમાં તરતી ડૂબતી થીજી જવાની રાત
અજાણી કેડીઓ ઉપર મુલાકાતોની ભરમારો
ક્ષણોને ભેટવા ધુમ્મસ થઇ પીગળી જવાની રાત
હવા આંખોને પૂછે છે કે ભીની ક્ષણને લૂછે છે
સ્મરણના આયનામાં ઝળહળી તૂટી જવાની રાત…
~ જ્યોતિ હિરાણી
રાતના કેટકેટલા શબ્દચિત્રો અને તમામ ઉદાસી, દુખ ભર્યા!
મોટી ઉંમરની કુંવારકાનું ગીત
કરું હવે હર સાંજ દીવો, ને પ્રગટાવું એક ઈચ્છા
સૂણો નહિ જો તમે હરિ, તો કરું હું કોને પૃચ્છા
અલકમલકની વાત બધીયે કાને તમારે પડતી
મારી એક અરજ સુણાવવા પાયે તમારે પડતી ! …..
શમણે આવે રાજકુંવર ને સફેદ પાંખનો ઘોડો
પહેરાવું જયાં વરમાળા ત્યાં શમણું શીદને તોડો ?
શમણાં ની તૂટેલી કરચો આવી હરિવર જોડો,
મારું શમણું ફરીને જોડો।…
ઓણ સાલ તો લગન નથી, એમ જ્યોતિષીનું કહેવું
સોળ સાલ કે’દુ ના વીત્યા, ક્યાં લગ આમ જ રહેવું?
પછી ના કહેતા કહ્યું ન’તું, આવીને નાતો જોડો
હરિવર તમે જ નાતો જોડો !…..
સરખે સરખી સાહેલી તો પરણી થઇ ઠરીઠામ
કહો, હવે તો બદલાશેને મારો પણ મુકામ ?
હાથ, હવે તો ઝાલો હરિવર, સમય હવે છે થોડો,
સંગ તમારી હું ચાલું, એ શમણું મારું જોડો,
હરિવર શમણું મારું જોડો ! …..
~ જ્યોતિ હીરાણી
કુંવારકાના સપનાં આમ તો સરખાં હોય પણ રહી ગયેલી, ઉંમર વીતી ગયેલી કુંવારકાએ શમણાંની પીડા હરિને જ સોંપવી રહી !

વાહ સરસ મજાની બન્ને રચનાઓ ખુબ ગમી
હાજી છબીલભાઇએ સાચું કહ્યું
વાહ, ગઝલ અને બીજી ગીત રચના ખૂબ જ સરસ રીતે ભાવ અભિવ્યક્તિ કરે છે.
Wah Jyoti Ben.. very nice both poetry. Hats off to you. Keep it up.
ખુબ આભાર લતાબેન.
વાહ. ગઝલ અને ગીત ગમ્યાં
ખુબ આભાર મિત્રો