પન્ના નાયક ~ તમે પાંખો કાપી & તમારા કહેવાતા * Panna Nayak

સંબંધ

તમે પાંખો કાપી ને આભ અકબંધ રાખ્યું,
ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું.

મારા સઘળાં દુવારને કરી દીધાં બંધ,
ને આમ તમે આંખોને કરી દીધી અંધ.
તમે કાંટાળા થોરનો આપ્યો મને સ્પર્શ,
ને એનું તે નામ તમે સુગંધ રાખ્યું.

હું તો વહેણમાં તણાઈ મને કાંઠો નથી,
ને આપણા સંબંધની કોઈ ગાંઠો નથી.
અછાંદસ જેવો છે આપણો આ પંથ,
ને એનું તે નામ તમે છંદ રાખ્યું.

~ પન્ના નાયક

ઉદાસી, વેદના અને ફરિયાદ…. પ્રેમમાં આ અનિવાર્ય તબક્કો છે એવું નથી લાગતું ? 

પ્રિય પન્નાબહેનને જન્મદિનની વંદન સહ શુભકામનાઓ

તમારા પ્રેમમય વિશ્વમાં 

તમારા (કહેવાતા) પ્રેમમય વિશ્વમાં     
જીવનનો હિસાબ માંગતા
ઘડિયાળના કાંટા છે,
ત્વચા ઊતરડી નાંખતા
પ્રેમના નહોર છે,

સ્પર્શતી આંગળીઓમાં
થીજી ગયેલી નદીઓ છે,
ચૂમતા હોઠમાં
ઘસડાઈ આવેલો નર્યો કાંપ છે,

આલિંગવા આવતા હાથમાં
સંબંધના કજળી ગયેલા દીવાની વાસ છે.

સતત વાતા વાવાઝોડાથી
કંપી કંપીને
હું
સૂક્કુંભઠ્ઠ વૃક્ષ થઈ ગઈ છું.

હું વિનવું છું-
તમારું પ્રેમમય વિશ્વ પાછું લઈ લો
ને મને મારું
એકલવાયું વિશ્વ પાછું આપો.

સાચે જ, હું જીવી જઈશ.

~ પન્ના નાયક

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “પન્ના નાયક ~ તમે પાંખો કાપી & તમારા કહેવાતા * Panna Nayak”

  1. ઉમેશ જોષી

    કવયિત્રી પન્નાબહેનને જન્મ દિવસની સુકામનાઓ.

  2. Kirtichandra Shah

    અતિ સુંદર રચનાઓ ખૂબ ખૂબ અભિનંદન

  3. હરીશ દાસાણી

    પન્નાબેનની બંને રચનાઓ કાવ્યાનંદનો ઉત્તમ અનુભવ આપે છે.જનમદિવસ પ્રસંગે અભિનંદન તથા શુભેચ્છાઓ.

Scroll to Top