

ઝાંઝવાં (સોનેટ)
મને નીરખવાં ગમે નયન ઠારીને ઝાંઝવાં-
વહે દૂર દિગંતમાં તૃષિત મૃગને આંજવા.
ન કે અબુધ કે અજાણ છલછદ્મલીલા થકી-
હરે જીવનપ્રાણ જે ભ્રમિત કૈં વટેમાર્ગુના.
છતાં ય ગમતાં મને ગજબનાક આ ઝાંઝવાં,
રહું દગડતો ત્યહાં વ્યરથ વારિને આંબવા.
પિપાસુ યુગથી રહેલ મુજ કંઠ શોષાય જે
દાવાનળ વિરાટ કો હૃદયમાં જલે જોરથી
અને ઊકળતો મહીં ધગધગંત લાવા રસ
દહે તૃષિત કંઠને અસહ આગ તેજાબથી.
બુઝે ક્યમ કરી તૃષા ખળળ વ્હેણ ખાબોચિયે—
સ્વયં સળગી ઊઠતાં તરસ-આગ-ઉંબાંડિયે ?
ધસું મૃગજળો ભણી ઉલટ અંક લૈ આંખમાં—
કરું ભસમ ઝાંઝવાં અગર એ મળે માર્ગમાં.
~ ચુનીલાલ મડિયા 12.8.1922 – 29.12.1968
7.7.1954 અપ્રગટ કાવ્ય : ‘મડિયાનું સમગ્ર પદ્ય’ માંથી
“મારી કૃતિઓની ગુણવત્તા અંગે હું પૂરેપૂરી આત્મશ્રદ્ધા ધરાવું છું.” – ચુનીલાલ મડિયા
ક્રીમેટોરિયમ (સોનેટ)
ક્રીમેટોરિયમ વિદ્યુતનું શહેર-સોનાપુરે તું
બાળે ગાત્રો મનુજ શબનાં વીજળીના બળેથી.
હો માંધાતા, મુફલિસ ભલે હોય ના, મુડદું એ
પોઢી જાતું તવ ઉદરમાં એકધારી અદાથી
સીઝી જાતું, ભસમ ક્ષણમાં ભેદ પાડે ન કાંઈ
થાવા દ્યે ના પ્રદરશન હ્યાં રાય કે રંક કેરાં-
સસ્તાં કાષ્ટો દલિતજન માટે અને શાહુકારો
માટે મોંઘાં અગર-સુખડો–સાહ્યબી હ્યાં ટકે ના.
તારે પેટે બળતણ રહે વીજળીનો પ્રવાહ
વ્હેતો એ તો સકળ શબમાં એકધારો અભેદે
એ ના જાણે જનમ જનનો, માત્ર મૃત્યુ પિછાણે
તારે ખોળે સહુ રમકડાં રાખનાં, રાખ થાતાં.
વિદ્યુતચિતા ! અજબ સમતા આપતી તું અમોને,
વંદું તુંને અધિક અદકી વિશ્વકર્મા થકી યે
~ ચુનીલાલ મડિયા
અપ્રગટ કાવ્ય : ‘મડિયાનું સમગ્ર પદ્ય’ માંથી
આભાર અમિતાભભાઈ મડિયા, આ સંગ્રહ મોકલવા બદલ.

વાહ ગદ્ય અને પદ્ય બન્ને મા કવિ શ્રી નુ અનેરુ પ્રદાન સ્મ્રુતિવંદન
બીજું કાવ્યમાં જુદી જ સંવેદના વ્યક્ત થઈ છે.
વાહ, કવિ મડિયાને કવિ તરીકે આજે માણ્યા. સરસ સોનેટ, વિષય અનોખા.
સેતુ વિભાગમાં મડિયાના સોનેટ વિશે શ્રી નિરંજન ભગત શું કહે છે, વાંચો. ગઇકાલની જ પોસ્ટ છે.