
કમાલ, કમાલ
થૈ ગયો રૂપિયો પણ ગુલાલ, ગુલાલ
ના રહ્યો મસ્તકે રૂમાલ, રૂમાલ!
મેં કમલ સરવરે ઉગાડ્યું તો
કોઈ બોલ્યું-કવિ, કમાલ, કમાલ!
વાણી પાઈ તેં રેઢા પાણામાં
કસબી રે, કીધાં તેં નિહાલ, નિહાલ!
ટપકું શાહીનું થૈ ગયું ઝંઝા
હે કવિ, પેનડી સમાલ, સમાલ!
એ સવાલી ઉપર મહેર હો, ખુદા
થૈ ગયો છે સ્વયં સવાલ, સવાલ!
આખરી એક હો ગઝલ, હો શમન
ને કહે મિર્ઝાજી-કમાલ, કમાલ!
થૈ ગયા ફીણફીણ એવા કે
આપ થૈ ગ્યા, લલિત, પ્રવાલ, પ્રવાલ,
~ લલિત ત્રિવેદી
આહા…. ‘વાણી પાઈ તેં રેઢા પાણીમાં…..’ ‘કવિ પેનડી સમાલ….’
અહો, લલિતજી કમાલ કમાલ…
નિરાકાર રહી ગયો
કંડારવા જતાં તું નિરાકાર રહી ગયો ઈશ્વર !
તું કેવો મારી નજર બહા૨ રહી ગયો !
આ પાર કશું રહ્યું નહીં, રણકાર રહી ગયો
એક તાર જે હતો તે પેલે પાર રહી ગયો
શણગાર એનો તેં જ ઉતારી લીધો, ગઝલ !
આકા૨ ના રહ્યો, નર્યો અવતાર રહી ગયો !
ઓળખ તો શું એનો તો ચહેરો પણ રહ્યો નથી
માથું મૂકી દઈ જે તારે દ્વાર રહી ગયો !
અંદર ગયા પછી કદી પાછો ફર્યો નથી
તારાં પગથિયે જેનો સારાસાર રહી ગયો !
કેવળ પલળવું રહી ગયું …ન કાયા પણ રહી
આકાશ ના રહ્યું ને અનરાધાર રહી ગયો !
જ્યારે તને ધરાઈ ધરાઈને જોઈશ હું
ત્યારે કહીશ કે તારો તો આકાર રહી ગયો !
~ લલિત ત્રિવેદી
ઈશ્વર સાથે એક અનોખો સંવાદ
‘કેવળ પલળવું રહી ગયું …ન કાયા પણ રહી’ – એકાત્મકતાની અવધિ

બન્ને રચના ખૂબ સરસ..
Very nice 👍🌹🙏
ખુબ સરસ રચનાઓ ખુબ ગમી
શ્રી લલિત ત્રિવેદીની આ બન્ને ગઝલ અભિભૂત કરે એવી છે.બન્નેમાં પારલૌકિક ચિંતન એક એક શેર પર આપણને ગહન વિચારોના ઊંડાણમાં ડૂબકી ખવડાવે છે.આ ગઝલો ઉપલકિયા વાચકો કે ભાવકોને કદાચ સ્પર્શે એવી નથી પણ મરમી માટે તો નર્યો અમૃતસ્રોત છે!વાહ કવિ ખૂબ ખૂબ અભિનંદન.
કમાલ કમાલ,નિહાલ નિહાલ,પ્રવાલ પ્રવાલ,વાહ વાહ બહુ જ સુંદર ગઝલ કવિશ્રી ને અભિનંદન
કવિ શ્રી લલિત ત્રિવેદી ની બન્ને રચનાઓ કાબિલેદાદ.
લલિતભાઈની રચનાઓ ગૂઢવાદ અને ભકિતમય સૌંદર્યથી મોહિત કરે છે.