
આ દુનિયામાં જન્મ્યા તેથી અહીંના
આ દુનિયામાં જન્મ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંના
શ્વાસ શરીરને પામ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંના.
શબ્દ બન્યો છે બ્રહ્મ એટલે આખ્ખે આખ્ખી દુનિયા એમાં લઈને ફરવું
હોત નહિતર પંખી થઈને હરફરવું કાં વૃક્ષ થઈને પાંગરવું કાં પાણી થઈને તરવું
સમજ શેષ રહી છે તેથી અમે અમારો ઉત્તર, બાકી હોત અમે નહિ હા – નહિ ના
શ્વાસ શરીરને પામ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંના
સમક્ષ હોય તે સાર્થ, નહિતર અર્થ રહે ના કોઈ કદી પણ ક્યાંય કશાનો
સ્વપ્ન સાચ કે સંબંધોનો, સુગંધનો કે સ્પર્શ-બર્શને સુંદરતાનો
શરીર સ્મરણને પામ્યું તેથી ટકી જવાતાં – ઠીક છીએ ભૈ છીએ જેમ જ્યાં તહીંના
શ્વાસ શરીરને પામ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંના
~ ચન્દ્રકાંત શાહ

વાહ.. તેથી અહીંના…
વાહ, ખૂબ જ સરસ જવનાભિવ્યક્તિ.
વાહ સરસ છે
વાહ ખુબ સરસ અભિનંદન