રામકાવ્ય ~ મધુસૂદન પટેલ ‘મધુ’ & કેતન ભટ્ટ * Madhusudan Patel * Ketan Bhatt  

કેવા છે શ્રી રામ?

વસે કોઈના હૈયામાં ને કરે કોઈનું કામ,
આબેહૂબ તો કેમ ચીતરવા, કેવા છે શ્રી રામ?

દાતરડાના હાથે ઉછરે અભાગણીનો છોરો,
પણ કોલેજે જાતાં લાગે ડોશીનો ડંગોરો,
બારોબાર જ ફી ભરતા કોઈ શેઠ નામ ઘનશ્યામ.
આબેહૂબ તો કેમ ચીતરવા…

સ્વરૂપનાં તો દર્શન દુર્લભ, રૂપ ઘણાં છે જોયાં,
ફરી ઝૂલતાં થયાં જ છે ભૈ અટકી ગયેલ ખોયાં,
શ્વેત-વસ્ત્રધર દવા આપતા લઈ રામનું નામ.
આબેહૂબ તો કેમ ચીતરવા…

આફત આવે મોટી ત્યારે રામ રજા પર લાગે,
થાય નિરાશા મોટી ત્યાં કોઈ પરદુઃખભંજક જાગે,
પંખાવાળી પવનપાવડી ઊતરે કોઈ ગામ.
આબેહૂબ તો કેમ ચીતરવા…

હિસાબ જેનો બાકી, એની હાટે ના કોઈ જાતાં,
જમા કર્મફળ જેનાં, એનાં બોર બધાં વેચાતાં,
નાનીમોટી બોણી રૂપે એ મોકલતા હામ.
આબેહૂબ તો કેમ ચીતરવા…

~ મધુસૂદન પટેલ ‘મધુ’

અયોધ્યા નગરીમાં ભગવાન શ્રીરામ પ્રાગટ્યને શત શત વંદન

રામ તમારે કાજ

રાહ તમારી જુએ છે આ પંપા કેરો ઘાટ જી,
સદીઓથી શબરી તડપે છે રામ તમારે કાજ જી.

સુખ, દુઃખ ને ઈચ્છાના બોર અલગ એણે રાખ્યા જી,
જેટલા ભાવ્યા એટલા ચાખ્યા બાકી અલગ રાખ્યા જી,
કરો આવી ભોજનીયા તો એ પામે સાચું ધામ જી,
રાહ તમારી જુએ છે આ પંપા કેરો ઘાટ જી.

સીતાજીના વિરહે, વ્યાકુળ રામ તમે કેમ થાવ જી?શબરીએ તો ભોગવ્યો એકલપંડે અવતાર જી
કોઈક વાર ભગવાને ભક્તથી ભણવો જોઈએ પાઠ જી,
રાહ તમારી જુએ છે આ પંપા કેરો ઘાટ જી,

નવધા ભક્તિ, ભજન એણે અલગ રાગમાં ગાયાં જી,
ઝંણઝણી માંહેની વીણા અનહદ સુર રેલાવ્યા જી,
આવો ‘ને આલાપો તમે છેલ્લો વેલ્લો રાગ જી.
રાહ તમારી જુએ છે આ પંપા કેરો ઘાટ જી,
સદીઓથી શબરી તડપે છે રામ તમારે કાજ જી.

~ કેતન ભટ્ટ

અયોધ્યા નગરીમાં ભગવાન શ્રીરામ પ્રાગટ્યને શત શત વંદન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

8 thoughts on “રામકાવ્ય ~ મધુસૂદન પટેલ ‘મધુ’ & કેતન ભટ્ટ * Madhusudan Patel * Ketan Bhatt  ”

  1. ઉમેશ જોષી

    બન્ને સર્જકની રચના ખૂબ સરસ..

    જય શ્રી રામ…

Scroll to Top