રવીન્દ્ર પારેખ ~ તું નથી ત્યારે & કોની વાતે * Raveendra Parekh

વિરહ

તું નથી ત્યારે
તારાં નહીં વહેલાં આંસુઓ
વહેંચવા નીકળ્યો છું

એક ટીપું કાલે ઊગનારી કળીએ લઈ લીધું
ને બીજી સવારે એ સૂર્યકિરણમાં ચમક્યું
પાંખડીઓ પર!

એક ટીપું સૂકા સરોવરે માંગ્યું
ને સવારે તો તે
કમળોથી છલછલી ઊઠ્યું!

સાતે સમુદ્રો પાસે તેમનાં આંસુ તો હતાં જ!
તોય તારાં આંસુ અનેક છીપમાં સંઘર્યાં
પછી તો મોતીઓ વેરાયાં વૈશ્વિક ચોકમાં

વાદળોએ પણ માંગ્યાં તારાં આંસુઓ
ને રાત ભર એટલાં ટીપાં વરસ્યાં કે
ઉઘાડ નીકળતાં જ લીલાશ લહેરાઈ ગઈ
પૃથ્વી પર!

આકાશે કહ્યું કે
હું નહીં સાચવી શકું એને
ને તેણે ઉછાળી મૂક્યાં આંસુઓ બ્રહ્માંડમાં
એ પછી રોજ તારાં આંસુઓ
તારાઓ થઈને ચમકે છે

તું નથી એનું દુઃખ હતું
પણ હવે થાય છે કે
ક્યાં નથી તું..!

~ રવીન્દ્ર પારેખ

પ્રિયજનની વિદાય જીવનના કેટકેટલા અર્થો સમજાવે છે! સંબંધના કેટકેટલા રહસ્યો ખોલે છે અને એક વિષાદનું આકાશ ઉઘાડે છે, કાશ….. ને પછી આ બે અક્ષરને સહારે જ બાકીના શ્વાસો ખુટાડવાના હોય છે !!

કોની વાતે

કોની વાતે તું ભરમાઈ ?
કોણ કબૂલે એ સચ્ચાઈ ?

હું ઝાકળ છું, તું આંસુ છે,
તારે મારે શી સરસાઈ ?

કોણ છૂટું પડતું કોનાથી,
વાત મને એ ના સમજાઈ.

આ તો તેજ વગર બળવાનું,
એનું નામ જ અખ્ખર ઢાઈ.

જળનાં ટીપાં જેવી યાદો,
વધતાં વધતાં થૈ દરિયાઈ.

હોય ન જ્યારે પણ તું સાથે,
હાથવગી મારે તન્હાઈ.

મારે બદલે યાદ મને તું,
મારે બીજી કઇ અખિલાઈ ?

~ રવીન્દ્ર પારેખ

જળના ટીપાં જેવી યાદો, વધતાં વધતાં થૈ દરિયાઈ…. બધા જ શેર સરસ પણ આ વિશેષ ગમ્યો…

કોઈના સ્મરણમાં જાત ભૂલી જવાય એ કેટલું મોટું સુખ….

@@

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “રવીન્દ્ર પારેખ ~ તું નથી ત્યારે & કોની વાતે * Raveendra Parekh”

  1. ઉમેશ જોષી

    વિરહ રચના હ્રદયસ્પર્શી
    ગઝલ ખૂબ ખૂબ સરસ.

  2. હરીશ દાસાણી.મુંબઈ

    પ્રિયવિરહનો વ્યાપ વધતાં વધતાં સર્વત્ર પ્રિય પ્રત્યક્ષ થવા લાગે આ કવિકર્મ ખૂબ સ-રસ થયું. ગઝલના શેર પણ નાવીન્ય સભર છે અને અર્થઘન પણ.

Scroll to Top