
બેઠા થવાના
અમે રાખમાંથીય બેઠા થવાના,
જલાવો તમે તોય જીવી જવાના.
ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.
ધખો તમતમારે ભલે સૂર્ય માફક,
સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના.
ચલો હાથ સોંપો, ડરો ના લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના.
અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું,
અમે પંખી એકે ન ચૂકી જવાના!
~ હર્ષ બ્રહ્મભટ્ટ
ફિનિક્સ પક્ષી અને ભીંત ફાડીને ઊગતા પીપળાનો સંદર્ભ સરસ રીતે વણાયો છે. બધા જ શેર આત્મવિશ્વાસ અને ખુદ્દારીને વ્યકત કરનારા… અને હકારાત્મકતાથી ભરેલા….
છેલ્લા શેરમાં જરા દ્વિધા છે. પંખીને ફસાવવા જાળ નખાતી હોય છે ! ભલે અહીં પંખી અને આકાશના જુદા સંદર્ભો જુદા જ હોય પણ ‘પંખી’ સાથે ‘જાળ’ શબ્દ વાંચતાં જ એક ચોક્કસ બાબત સાથે મન જોડાઈ જાય !
મળવાનું થયું
એમને એ રીતે મળવાનું થયું
ઘર સમાધાનોનું ચણવાનું થયું
થાય કે હમણાં નસો ફાટી જશે
એ ક્ષણે ક્યારેક હસવાનું થયું !
ખુદની મરજી જેવું કૈં પણ ના રહ્યું
વૃક્ષની માફક પલળવાનું થયું !
સાથ જોડાવાનું ક્યારે પણ ન’તું
એક એવું નામ જપવાનું થયું
ખાય ધક્કો કોણ મંઝીલનો પછી
ત્યાં અડી પાછા જ વળવાનું થયું
~ હર્ષ બ્રહ્મભટ્ટ
સર્જાયેલા વિસંવાદો, વિરોધો અને પરિણામે ઉપજેલી લાચારી, પીડાની ગઝલ….
નસો ફાટી જવા જેવા આક્રોશને ઢાંકીને હસવું એને સંયમની પરાકાષ્ઠા કહી શકાય….
વૃક્ષ ક્યારેય કશુંય ઇચ્છતું નથી પણ વૃક્ષની માફક પલળવાની વાતને તાબે થઈ જવા જેવી જાતની લાચારી સાથે જોડાવાની વાત શેરમાં સ્પર્શી જાય છે.

બન્ને રચનાઓ ખુબ સરસ ખુબ ગમી
બન્ને ગઝલ અપ્રતિમ…
રચનાઓ સરસ.આસ્વાદમાં નિર્દેશેલ સૂચન વિચારણીય.
બંને ગઝલો ખૂબ સરસ, સાથે આપની આસ્વાદિક નોંધ પણ.