કરી જોજો
જિગર પર જુલ્મ કે રહેમત ઘટે જે તે કરી જોજો;
તમારા મ્હેલના મહેમાનની સામું જરી જોજો.
ઊછળતા સાગરે મેં છે ઝુકાવ્યું આપની ઓથે,
શરણમાં જે પડે તેને ડુબાવીને તરી જોજો.
વિના વાંકે છરી મારી વહાવ્યું ખૂન નાહકનું,
અરીસા પર નજર ફેંકી તમારી એ છરી જોજો.
કટોરા ઝેરના પીતાં જીવું છું એ વફાદારી,
કસોટી જો ગમે કરવી બીજું પ્યાલું ધરી જોજો.
વરસતા શ્યામ વાદળમાં મળ્યા‘તા મેઘલી રાતે,
વચન ત્યાં વસ્લનું આપ્યું, હવે દિલબર! ફરી જોજો.
~ કપિલરાય ઠક્કર ‘મજનૂ‘ (3.4.1892-19.2.1959)
સૂફીવાદી ને ફારસી રીતિની રંગદર્શી પરંપરાના અનુગામી.
મરણોત્તર કાવ્યસંગ્રહ ‘સ્વપ્નમંદિર’
જન્મદિને સ્મૃતિવંદના
@@@
શા માટે?
લાગે છે અવાચક થૈ ગઈ છે કલબલતી કાબર બ્હાર બધે
નહૈં તો અહીં એકીસાથે આ શાયરના અવાજો શા માટે?
આકાશી વાદળને નામે આ વાત તમોને કહી દઉં છું.
કાં વરસી લો કાં વિખરાઓ આ અમથાં ગાજો શા માટે?
મારો તો ઇરાદો છે ખાલી કવિતામાં કામણ પૂરવાનો,
ત્યાં રૂપની આડે ઘૂંઘટના બેઢંગ રિવાજો શા માટે?
આ જલતી શમાને ઠારો ના આ પરવાનાને વારો ના,
એ પ્રેમની પાગલ દુનિયામાં વહેવારુ ઇલાજો શા માટે?
કોઈ કહેશો કે મયખાનાની શી હાલત છે સાચેસાચી,
‘પી’ ‘પી’ કહેનારા બોલે છે આ ‘પાજો’ ‘પાજો’ શા માટે?
દફનાઈ જવા દો ગૌરવથી એ જ્યાં જનમે છે ત્યાં ને ત્યાં,
આંસુ ને નિસાસાની કાંધે મહોબતનો જનાજો શા માટે?
નમન નમનમાં હોય છે કૈં વધતોઓછો ફેર નકી,
નહૈં તો આ નમેલી નજરે અમને આપ નવાજો શા માટે?
આ દિલને તમારે માટે તો બચપણથી અનામત રાખ્યું છે
આ સ્હેજ ઉમરમાં આવ્યાં કે આ રોજ તકાજો શા માટે?
આ વાત નથી છાનીછપની ચર્ચાઇ છે જાહેરમાં સઘળે,
શરમાળ કુસુમને કહી દો કે—‘મધુકર’નો મલાજો શા માટે?
~ મધુકર રાંદેરિયા (3.4.1917- )
મુંબઈની જયહિંદ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક હતા. આધુનિક રંગભૂમિના લોકપ્રિય અભિનેતા. ગઝલ, સૉનેટ ઇત્યાદિ કાવ્યપ્રકારો અજમાવ્યા.
જન્મદિને વંદન
@@

સ્મ્રુતિવંદન
બંને કવિઓ ને સ્મૃતિ વંદન. ગઝલો ખૂબ જ સરસ છે. ઙ
સ્મરણ વંદના.
બંને કવિઓની રચનાઓનો સરસ છે.