નડિયાદના વતની આ કવિનું મૂળ નામ ભાનુશંકર બાબરભાઈ વ્યાસ. વતન નડિયાદ. સુંદરજી બેટાઈ સાથેના સંયુક્ત લેખન નિમિત્તે ‘મિત્રાવરુણૌ’ એવું ઉપનામ પણ તેમનું અને સુંદરજી બેટાઈનું રખાયેલું. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં નરસિંહરાવ દિવેટિયા પાસે અભ્યાસ કરી એમ.એ. થયેલા. ઘણાં વર્ષો શિક્ષક તરીકે કાર્ય કરી, સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક થયેલા. 1941માં LL.B થઈ વકીલાતનો વ્યવસાય સ્વીકારેલો. મુંબઈની ‘આકાશવાણી’ના ગુજરાતી વિભાગમાં છેલ્લે તેમણે સેવા આપેલી. રંગભૂમિક્ષેત્રે પણ એમનું અર્પણ નોંધપાત્ર ગણાય એવું હતું. તેમનું અવસાન હૃદયરોગથી થયું હતું.
એમનો એકમાત્ર કાવ્યસંગ્રહ ‘કેડી’ 1941માં પ્રગટ થયો હતો. ગાંધીયુગના આ કવિની કવિતા પર એ યુગનો પ્રભાવ ઝિલાયેલો છે. વૃત્તબદ્ધ કાવ્યો, ભજનો, સૉનેટો, મુક્તકો અને દીર્ઘ રચનાઓ એમણે આપી છે. ગીતો ઉપર એમની હથોટી સારી છે. કવિ અને કવિતાને વિષય બનાવીને એમણે કેટલાંક કાવ્યો આપ્યાં છે. મેઘાણીના ‘કવિ તને કેમ ગમે?’ એ કાવ્યનો ઉત્તર આપતા હોય એમ કવિએ કવિના પ્રતિભા-દીવડાને ‘હૈયે તારે ઝગે દીવડો એનાં તેજ ભલે જગ રાજે / અમારો મારગે ભોમિયો થાજે.’ એમ કહી ‘તેજનાં અંજન આંજી’ માનવબાલનાં ગીત ગાવાનું કવિકર્તવ્ય પ્રબોધ્યું છે. એમનું ‘તારલી’ ગીત ખૂબ પ્રસિદ્ધિ પામ્યું હતું. એના પ્રકાશથી કવિ કહે છે કે અંધકારની સામે લડી શકાશે. પ્રકાશ, તેજ, જ્યોતિ – કવિનાં કાવ્યોમાં વિશેષ રૂપે વરતાય છે. કવિને ઝંખના છે ઝંખનાની. ‘શમે ન કદી ઝંખના’. એટલે જ કવિ ‘આપજે તારા અન્તરનો એક તાર, બીજું હું કાંઈ ન માગું’ એમ કહે છે.
~ ચિમનલાલ ત્રિવેદી
ગુજરાતી વિશ્વકોશમાંથી સાભાર (ટૂંકાવીને)

Pingback: ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ’ ~ આપને તારા * Bhanushankar Vyas ‘Badrayan’ - Kavyavishva.com
Pingback: પ્રિય મિત્રો, - Kavyavishva.com